આપણે બધા જરૂરિયાતના સમયે થોડી હકારાત્મકતા શોધીએ છીએ. બ્રિટનના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર ઋષિ સુનક હિંદુ ધર્મના પવિત્ર પુસ્તક ભગવદ્ ગીતામાંથી તેમની હકારાત્મક તાકાત શોધે છે. ગુરુવારે જન્માષ્ટમીના તહેવારનના અવસર પર, 42 વર્ષીય ઋષિ સુનકે લંડનની બહાર આવેલ વેટફોર્ડ, હર્ટફોર્ડશાયરમાં ભક્તિવેદાંત મેનરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ઋષિ સુનકે ભગવાન કૃષ્ણના દર્શન કર્યા હતા અને આશીર્વાદ મેળવ્યા હતા. તેમની સાથે તેમનાં પત્ની અક્ષતા મૂર્તિ પણ મંદિરમાં આવ્યા હતાં.
ભક્તિવેદાંત મનોર એ યુકેના અગ્રણી International Society of Krishna Consciousness (ઇસ્કોન) હબમાંનું એક છે, જે બીટલ્સના જાણીતા સંગીતકાર જ્યોર્જ હેરિસન દ્વારા રીતે દાનમાં આપવામાં આવ્યું હતું. આ જગ્યાને 'આધ્યાત્મિક અભયારણ્ય' તરીકે ઓળખવામાં આવે છે, જેમાં 78 એકર જમીનમાં ફેલાયેલા બગીચા, એક ઓર્ગેનિક ફાર્મ, ગૌશાળા તેમજ મંદિર છે. હરે કૃષ્ણ મંદિરે મનોર ખાતે બે દિવસીય જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી કરી હતી.
ઋષિ સુનકની મુલાકાતની તસવીરોની સાથે, મેનોરના અધિકૃત ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ પરથી જાણવા મળ્યું છે કે ભગવદ ગીતા ઋષિ સુનકને પડકારજનક સમયમાં આગળ વધવાની શક્તિ આપે છે. પોસ્ટ પર લખવામાં આવ્યું હતું કે, "જન્માષ્ટમીના તહેવારના સમયગાળા દરમિયાન તમામ 1,500 સ્વયંસેવકોને તેમની તમામ મહેનત માટે તેમની શુભેચ્છાઓ અને કૃતજ્ઞતા આપવા માટે આજે ઋષિ સુનકની મુલાકાત લેવા બદલ અમને સન્માન મળ્યું હતું. સુનકે ભક્તિવેદાંત મનોર અને ઇસ્કોનનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને બધા માટે ખૂબ આભાર માન્યો હતો.
તેમની મુલાકાત દરમિયાન, સુનાકોએ પ્રાર્થના કરી હતી, ઇસ્કોન સમુદાયના લોકો સાથે વાતચીત કરી અને ગાયોનો નિરણ પણ ખવડાવ્યું હતું. જન્માષ્ટમી ભગવાન કૃષ્ણના જન્મની ઉજવણી કરવાનો તહેવાર છે. હિંદુ કેલેન્ડર મુજબ, ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન કૃષ્ણનો જન્મ શ્રાવણ મહિનાની આઠમે થયો હતો. પશ્ચિમી કેલેન્ડર મુજબ દિવસ મોટે ભાગે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં આવે છે. ઋષિ સુનકે તેમના ફોલોવર્સને જન્માષ્ટમીની અગાઉથી શુભેચ્છા પાઠવતા, તેમની મુલાકાતની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.