બગદાદ: અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ હજુ શમ્યો નથી ત્યાં વધુ એકવાર ઈરાકની રાજધાની બગદાદ સ્થિત અમેરિકી દૂતાવાસ પર રોકેટથી હુમલો કરવામાં આવ્યો છે. જો કે હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ગત વર્ષ ઓક્ટોબર 2019થી લઈને અત્યાર સુધી આ સતત 19મોં હુમલો છે. ઉલ્લેખનીય છે કે સુલેમાનીની હત્યાનો બદલો લેવાના મકસદથી અમેરિકી સૈન્યના ઠેકાણા પર ઈરાની સેના દ્વારા અનેકવખત હુમલા કરવામાં આવ્યા છે.


આ પહેલા જ્યારે અમેરિકી દૂતાવાસા પર રોકેટ છોડવામાં આવ્યા હતા ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ઈરાનને ચેતવણી આપતા કહ્યું હતું કે, જો ફરી હુમલો થશે તો ઈરાનનો વિનાશ કરી નાંખીશું. તેના પર પલટવાર કરતા ઈરાને કહ્યું હતું કે અમેરિકામાં યુદ્ધ કરવાનું સાહસ નથી. માનવામાં આવી રહ્યું છે કે આ પ્રકારના હુમલા કરીને ઈરાન અમેરિકા પર દબાણ બનાવી રહ્યું છે.

ઈરાનના મેજર જનરલ હુસૈન સલામીએ કમાન્ડર કાસિમ સુલેમાનીના મોતના 40 દિવસ બાદ કહ્યું હતું કે જો અમેરિકા કે ઈઝરાયલ થોડી પણ ભૂલ કરશે તો તેના પર અમે વળતો હુમલો કરીશું. સુલેમાનીની મોત બાદ ઈરાન અને અમેરિકા વચ્ચે વધુ તણાવ છે. અમેરિકાએ મિસાઈલ હુમલાથી સુલેમાનીની હત્યા કરી નાખી હતી.