Ukraine Drone Attack At Kremlin: એક વર્ષથી વધુ સમયથી ચાલી રહેલું રશિયા-યુક્રેન યુદ્ધ અટક્યું નથી. ધીમે ધીમે આ યુદ્ધ હવે વધારે ભયાનક બની રહ્યું છે. યુક્રેને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર હુમલો કર્યો છે. પુતિનની હત્યા નિપજાવવાના ઈરાદે આ ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતાં. જોકે તે નિષ્ફળ ગયા છે અને પુતિનનો આબાદ બચાવ થયો છે. 


રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર હુમલા માટે બે ડ્રોન વિમાનો રવાના કરવામાં આવ્યા હતાં. આ ડ્રોન વિમાનો છેક રશિયાના ક્રેમલિન શહેર પહોંચી ગયા હતાં અને પુતિનને નિશાન બનાવીને હુમલા કરવામાં આવ્યા હતાં. જોકે રશિયાએ બંને ડ્ર્રોન વિમાનો તોડી પાડ્યાં હતાં.  


આ હુમલાને લઈને રશિયાએ યુક્રેન પર આતંકવાદીઓની જેમ ક્રેમલિન પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. રશિયન સરકાર વતી એવું કહેવામાં આવ્યું છે કે યુક્રેને ક્રેમલિન પર ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે, તેની કાર્યવાહી "આતંકવાદીઓ" જેવી છે અને રશિયા તેનો કડક જવાબ આપશે.






ક્રેમલિને બુધવારે, 3 મેના રોજ જણાવ્યું હતું કે તેણે યુક્રેન દ્વારા શરૂ કરાયેલા બે ડ્રોનને તોડી પાડ્યા છે. રશિયન સરકાર વતી કિવ પર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યા કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.


રશિયાએ દાવો કર્યો છે કે યુક્રેને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યાનો પ્રયાસ કર્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ કાર્યાલયે માહિતી આપી છે કે, યુક્રેનએ બુધવારે રાત્રે ક્રેમલિન પર ડ્રોન હુમલો કર્યો હતો. તેનો હેતુ રાષ્ટ્રપતિ પુતિનની હત્યા કરવાનો હતો. મોસ્કોના રહેવાસીઓએ ક્રેમલિનની દિવાલો પાછળ સ્થાનિક સમયાનુસાર બપોરે 2:00 વાગ્યા પછી તરત જ વિસ્ફોટો સાંભળ્યા હતા. ત્યાર બાદ ક્રેમલિન પર આકાશમાં ધુમાડો વધતો જોવા મળ્યો હતો. સ્થાનિક ટેલિગ્રામ ચેનલે સ્થાનિક રહેવાસીઓના રેકોર્ડ કરેલા વીડિયો ફૂટેજ પણ શેર કર્યા છે. જોકે, આ હુમલામાં યુક્રેનની સંડોવણીની સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી.


રશિયાએ બદલો લેવાની ધમકી આપી


ક્રેમલિને ધમકી આપી છે કે, રશિયા જ્યાં અને જ્યારે યોગ્ય લાગે ત્યારે બદલો લેવાનો અધિકાર અનામત રાખે છે. રશિયન સમાચાર એજન્સી તાસના જણાવ્યા અનુસાર ક્રેમલિને આ ઘટનાને આયોજિત આતંકવાદી હુમલો અને રશિયાના રાષ્ટ્રપતિની હત્યાનો પ્રયાસ ગણાવ્યો છે. રશિયન અધિકારીઓનું કહેવું છે કે, યુક્રેને બે ડ્રોન વડે ક્રેમલિનને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. બંને ડ્રોનને તોડી પાડવામાં આવ્યા છે. આ હુમલામાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.


હુમલા સમયે પુતિન ક્રેમલિનમાં નહોતા


રશિયાના રાષ્ટ્રપતિ કાર્યાલય ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું છે કે, ડ્રોન હુમલા સમયે રાષ્ટ્રપતિ પુતિન ક્રેમલિનમાં હાજર ન હતા. જોકે આ હુમલા દરમિયાન પુતિન ક્યાં હતા તેને લઈને  પેસ્કોવે કોઈ જ જાણકારી આપી નહોતી. ક્રેમલિને કહ્યું છે કે, આ ડ્રોન હુમલાથી પુતિનના કામ પર કોઈ અસર થઈ નથી. તેમણે પૂર્વ નિર્ધારિત સમય અને યોજના મુજબ પોતાનું કામ યથાવત રાખ્યું હતું. આ ડ્રોન હુમલાનો પ્રયાસ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ કરવામાં આવ્યો હતો.