મોસ્કોઃ વિશ્વના કેટલાક દેશોએ કોરોના મામલા પર લગભગ નિયંત્રણ મેળવી લીધું છે, જ્યારે કેટલાક દેશો એવા પણ છે જ્યાં કોરોનાના મામલા ફરીથી વધવા લાગ્યા છે. અમેરિકા બાદ હવે રશિયામાં પણ કોરનાનો કહેર જોવા મળી રહ્યો છે.


રશિયામાં 33,208 નવા મામલા સામે આવ્યા છે. રશિયન સરકારના કહેવા મુજબ રસીકરણની ગતિ ધીમી હોવાના કારણે કોરોનાના મામલા વધી રહ્યા છે. રશિયામાં અત્યાર સુધીમાં કુલ વસતિના 29 ટકા લોકોને જ રસી અપાઈ છે. રશિયામાં છેલ્લા થોડા દિવસોથી સંક્રમણના કારણે થઈ રહેલા મોતની સંખ્યા વધી રહી છે પરંતુ સરકાર હવે આકરા નિયંત્રણો લગાવવા માંગતી નથી.


અધિકારીઓ રસીકરણ વેગીલું બનાવવા લોટરી, બોનસ અને અન્ય સ્કીમ આપી રહ્યા છે પરંતુ તેમ છતાં લોકોના મનમાં રસીને લઈ આશંકા હોવાથી સારો પ્રતિસાદ મળી રહ્યો નથી.


બ્રિટનમાં છેલ્લા ત્રણ દિવસથી સતત 40,000 કરતાં વધારે કોરોનાના કેસો નોંધાઇ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં બ્રિટનમાં કોરોનાના નવા 44,932 કેસો નોંધાયા હતા અને 145 જણાના મોત થયા હતા. બ્રિટનમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 83,61,651 થઇ છે જ્યારે કોરોનાનો કુલ મરણાંક 1,38,379 થયો છે. ઘણાં લોકો કોરોનાનો પ્રથમ ટેસ્ટ પોઝિટિવ આવ્યાના 28 દિવસમાં જ મૃત્યુ પામ્યા હતા.


હાલ બ્રિટનમાં કોરોનાના 7,086દર્દીઓને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. નેશનલ હેલ્થ સર્વિસના ડેટા અનુસાર ટેસ્ટ એન્ડ ટ્રેસ કાર્યક્રમમાં અંદાજે ચાર લાખ કોરોના વાઇરસ ટેસ્ટના સેમ્પલ વોલ્વરહેમ્પટનમાં આવેલી ઇમ્મેન્શા હેલ્થ ક્લિનિક લેબ દ્વારા પ્રોસેસ કરવામાં આવ્યા હતા.  એક અંદાજ અનુસાર 43,000 લોકોને આઠ સપ્ટેમ્બર અને 12 ઓક્ટોબર દરમ્યાન ખોટા પરિણામો આપવામાં આવ્યા હતા. અગાઉ જે લોકો કોરોના પોઝિટિવ જણાયા હતા તેમને નેગેટિવ પીસીઆર રિઝલ્ટ મળવાને પગલે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. ધ યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સીએ જણાવ્યું હતું કે આમાંના મોટાભાગના કેસો સાઉથવેસ્ટ ઇંગ્લેન્ડમાં નોંધાયા હતા.


આ પણ વાંચોઃ Gujarat Corona Cases: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી આ બે મોટા શહેરમાં જ 63 ટકાથી વધુ કેસ