Russia: રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને તાજેતરમાં જ ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વાતચીત થયાના મીડિયા રિપોર્ટ્સને રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલયે ફગાવ્યા હતા. વોશિંગ્ટન પોસ્ટ અને રોઇટર્સે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે ફોન કોલ દરમિયાન ટ્રમ્પે પુતિનને યુક્રેન યુદ્ધ આગળ ન વધારવાનો આગ્રહ કર્યો હતો.
ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે અહેવાલોને નકારી કાઢ્યા હતા અને તેને "સંપૂર્ણ રીતે ખોટા" અને "કાલ્પનિક" ગણાવ્યા હતા અને સ્પષ્ટતા કરી હતી કે "તેઓને વચ્ચે કોઇ વાતચીત થઈ નથી." પેસ્કોવે મીડિયા આઉટલેટ્સમાંથી મળેલી માહિતીની ટીકા કરતા કહ્યું કે પ્રતિષ્ઠિત સંસ્થાઓ પણ ક્યારેક અનવેરિફાઇડ રિપોર્ટ્સ પ્રકાશિત કરે છે
'હાલમાં વાતચીતની કોઈ યોજના નથી'
પુતિન અને ટ્રમ્પ વચ્ચે ભવિષ્યમાં કોઇ સંપર્કની યોજના છે તે અંગે પૂછવામાં આવતા પેસકોવે કહ્યું હતું કે 'હજી સુધી કોઈ નક્કર યોજના નથી'. યુક્રેનમાં 2 વર્ષથી ચાલી રહેલું યુદ્ધ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયું છે. રશિયન દળો સતત સફળતા હાંસલ કરી રહ્યા છે, જેણે પશ્ચિમી દેશોને યુદ્ધને સમાપ્ત કરવાના માર્ગો વિશે વાત કરવા મજબૂર કરી દીધા છે.
24 કલાકમાં યુદ્ધ રોકવાનો કર્યો હતો દાવો
ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પે દાવો કર્યો હતો કે જો તેઓ ચૂંટાયા તો 24 કલાકમાં યુક્રેનમાં શાંતિ લાવી શકે છે. જોકે તેમણે એ નથી જણાવ્યું કે તે આ માટે શું કરવા જઈ રહ્યા છે. ગુરુવારે, રાષ્ટ્રપતિ પુતિને જાહેરમાં ટ્રમ્પને તેમની જીત પર અભિનંદન આપ્યા હતા અને પેન્સિલ્વેનિયામાં હત્યાના પ્રયાસ છતાં મેદાનમાં અડગ ઊભા રહેવા બદલ તેમને બહાદુર પણ ગણાવ્યા હતા.
પુતિને કહ્યું હતું કે, 'મને નથી લાગતું કે ટ્રમ્પ સાથે વાત કરવી ખોટું છે. જો વિશ્વના કેટલાક નેતાઓ સંપર્ક ફરીથી સ્થાપવા માંગતા હોય તો હું તેની વિરુદ્ધ નથી. અમે ટ્રમ્પ સાથે વાત કરવા તૈયાર છીએ. યુક્રેનિયન કટોકટીનો અંત લાવવામાં મદદ કરવા માટે રશિયા સાથેના સંબંધો ફરીથી સ્થાપવા કરવાની તેમની ઇચ્છા વિશે ટ્રમ્પે જે કહ્યું છે તે મારા મતે ધ્યાન આપવા યોગ્ય છે. જૂલાઈમાં હત્યાના પ્રયાસ પછી ટ્રમ્પે જે રીતે પોતાને સંભાળ્યા તેનાથી હું પ્રભાવિત છું. ટ્રમ્પ 'બહાદુર વ્યક્તિ' છે.
પુતિન પશ્ચિમી દેશોને ચેતવણી આપી ચૂક્યા છે
રશિયાએ તાજેતરમાં યુક્રેનને મદદ કરવા અને રશિયન પ્રદેશ પર હુમલા કરવા બદલ અમેરિકા અને તેના સહયોગીઓને ચેતવણી આપી હતી. અગાઉ પુતિને કહ્યું હતું કે હુમલામાં નાટોની ભાગીદારીનો અર્થ 'યુક્રેન યુદ્ધમાં નાટો દેશો, અમેરિકા અને યુરોપિયન દેશોની સીધી ભાગીદારી હશે.