મોસ્કોઃ રશિયાએ યુક્રેનને લઇને અમેરિકા સાથે ચાલી રહેલા તણાવ પર પરમાણુ યુદ્ધની ચેતવણી આપી છે. રશિયાએ અમેરિકાને ક્યૂબાવાળી ભૂલ ન કરવા ચેતવણી આપી છે. આ સમયે યુક્રેન સરહદ પર રશિયાના એક લાખથી વધુ સૈનિકો હથિયારો સાથે તૈનાત છે. યુક્રેનની સરહદ પર રશિયાના સૈનિકો તૈનાત થતા અમેરિકાએ કડક પ્રતિક્રિયા આપી છે. એટલું જ નહી અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને કેટલાક દિવસો અગાઉ રશિયાને પરિણામ ભોગવવાની ચેતવણી આપી હતી.
રશિયાના નાયબ વિદેશ મંત્રી સર્ગેઇ રયાબકોવે કહ્યું કે 1962માં ક્યૂબા મિસાઇલ સંકટને એક ભયાનક પરમાણુ યુદ્ધ સાથે દોહરાવાની ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો સ્થિતિ એવી જ રહેશે તો પરમાણુ યુદ્ધ થઇ શકે છે. દુનિયામાં પરમાણુ હથિયારો મામલે રશિયા અને અમેરિકા લગભગ સમાન છે. રશિયા પાસે એવી હાઇપર સુપરસોનિક મિસાઇલો છે જે અમેરિકાની એર ડિફેન્સ સિસ્ટમ માટે રોકવી મુશ્કેલ છે.
બ્લેક સીમાં ચાલી રહેલા તણાવ વચ્ચે રશિયન સૈન્યએ યુક્રેન પાસેના વોરોનિશ ક્ષેત્રમાં અનેક અત્યાધુનિક હથિયારોની તૈનાતી કરી છે. સેટેલાઇટ ઇમેજમાં આ વિસ્તારમાં રશિયન સેનાના ટેન્ક અને બુક એન્ટી એરક્રાફ્ટ મિસાઇલ સિસ્ટમ જોવા મળી રહ્યા છે. સ્પેસ ફર્મ મેક્સાર ટેકનોલીજીસે યુક્રેન સરહદથી 200 માઇલથી પણ ઓછા અંતર પર સ્મોલેન્સ્ક જિલ્લામાં તૈનાત રશિયન સેનાના કથિત વધારાના સૈનિકોની તસવીરો જાહેર કરી છે.
મિરરના અહેવાલ અનુસાર આગામી વર્ષની શરૂઆતમાં રશિયન સૈનિકોની સંખ્યા વધીને 175000 થઇ શકે છે. બ્રિટિશ સેનાના રક્ષા સ્ટાફના નવા પ્રમુખ એડમિરલ સર ટોની રાડાકિને કહ્યું કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ બીજા વિશ્વયુદ્ધ બાદથી 75 વર્ષથી વધુ વર્ષો માટે યુરોપમાં સૌથી મોટી લડાઇ બની શકે છે.