મોસ્કોઃ રશિયાએ કોરોના વાયરસ વિરૂદ્ધ પ્રથમ રસીનું રજિસ્ટ્રેશન કરાવી દીધું છે. મંગળવારે 11 ઓગસ્ટના રોજ રશિયાના રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિને તેની જાહેરાત કરતાં વિશ્વને પ્રથમ રસીને સુરક્ષિત અને પ્રભાવકારી ગણાવી છે. રશિયાએ આ રસીને ખૂબ જ ખાસ નામ આપ્યું છે. વિશ્વની પ્રથમ કોરોના વેક્સીનનો દરજ્જો મેળવનાર આ રસીનું નામ ‘સ્પુતનિક V’ (Sputnik V) રાખવામાં આવ્યું છે. આ નામ વિશ્વના પ્રથમ માનવ નિર્મિત ઉપગ્રહ (સેટેલાઈટ)નું હતું, જેને રશિયાએ જ લોન્ચ કર્યું હતું.


સૌથી પહેલા સેટેલાઈટ બાદ સૌથી પ્રથમ વેક્સીન

કોરોના વાયરસ સંક્રમણનો સામનો કરી રહેલ સમગ્ર દુનિયા ઘણાં મહિનાથી આ રસીની રાહ જોઈ રહ્યા છે. ત્યારે રશિયાએ પ્રથમ રસી બનાવવાનો દાવો કરીને બધાને હેરાન કરી મૂક્યા છે. રશિયાની આ રસી પર સતત શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

જ્યારે આ બધાથી અલગ પ્રથમ રસીનો દરજ્જો મેળવવાની ઉપલબ્ધિને ધ્યાનમાં રાખતા રશિયાએ તેને સ્પુતનિક V નામ આપ્યું છે. આ નામ રશિયાના ઉપગ્રહઓ પર આધારિત છે. અંતરક્ષિમ વિજ્ઞાન ક્ષેત્રમાં પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ લોન્ચ કરવાનો શ્રેય પણ રશિયાને જ જાય છે. 4 ઓક્ટોબર 1957ના રોજ રશિયાએ વિશ્વનું પ્રથમ સેટેલાઈટ અંતરિક્ષમાં સ્થાપિત કર્યું હતું.

આ રસી પર ઉઠાવવામાં આવતા સવાલને લઈને રશિયાએ ટીકા કરી છે. રશિયાના વેક્સીન પ્રોજેક્ટને ફાઈનાન્સ કરનાર રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડના પ્રમુખ કિરિલ દિમિત્રિએવે રશિયન વેક્સીના દાવાને ફગાવી દેવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે તેને મીડિયા અટેક ગણાવ્યા છે.

દિમિત્રિયેવે સાથે જ દાવો કર્યો છે કે અત્યાર સુધી રશિયાને 20 દેશો તરફથી આ રસીના લગભગ એક અબજ ડોઝના ઓર્ડર મળી ચૂક્યા છે. તેમણે સાથે જ કહ્યું કે, રશિયા 5 અલગ અલગ દેશોમાં દર વર્ષે 50 કરોડ ડોઝ બનાવવા માટે તૈયાર છે.