નવી દિલ્હીઃ દુનિયામાં હજુ પણ કોરોનાનો કહેર યથાવત છે. દુનિયામા રસીકરણ છતાં કોરોના લોકોની વચ્ચેથી હજી ગયો નથી. રશિયામાં પ્રથમવાર બુધવારે કોરોના વાયરસથી એક જ દિવસમાં 900 લોકોના મોત થયા હતા. કોરોના દર્દીઓની મોત સંબંધી આ આંકડા એવા સમયે આવ્યા છે જ્યારે દેશમાં રસીકરણનો દર ઓછો છે અને સરકાર નવા કેસ પર કાબૂ મેળવવા માટે સખ્ત પ્રતિબંધ લગાવવા માટે તૈયાર નથી. રશિયાના કોરોના વાયરસ ટાસ્ક ફોર્સે બુધવારે 929 દર્દીઓના મોત થયાની જાણકારી આપી હતી. આ અગાઉ મંગળવારે 895 દર્દીઓના મોત થયા હતા. ટાસ્ક ફોર્સે બુધવારે કોરોનાના નવા 25,133 કેસ આવ્યા હતા.
રશિયામાં સપ્ટેમ્બરના અંતથી કોરોનાના કેસ વધવાની શરૂઆત થઇ હતી. ક્રેમલિને આરોપ લગાવ્યો હતો કે રશિયામાં ખૂબ ઓછા લોકો રસી લઇ રહ્યા છે. મંગળવાર સુધી રશિયાના 14.6 કરોડ લોકોમાંથી લગભગ 33 ટકા લોકોએ કોરોનાની રસીનો એક ડોઝ લીધો છે જ્યારે 29 ટકા લોકોએ રસીના બંન્ને ડોઝ લીધા છે.
કોરોનાના કેસ વધતા લોકડાઉન લગાવવામાં આવશે તેવી વાતનો સરકારી અધિકારીએ ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે કોરોનાનો પ્રસાર પર કાબૂ મેળવવા માટે ક્ષેત્રીય અધિકારીઓ પગલા લેશે. સિંગાપોરમાં કોરોનાના નવા 3486 કેસ નોંધાયા છે અને નવ દર્દીઓના મોત થયા છે.
ગુજરાતમાં કોરોનાના નવા 21 કેસ નોંધાયા
ગુજરાતમાં આજે કોરોનાના નવા 21 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 18 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,794 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી એક વ્યક્તિનું મોત થયું છે. આજે 3,33,309 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 182 કેસ છે. જે પૈકી 03 વેન્ટીલેટર પર છે, જ્યારે 179 નાગરિકો સ્ટેબલ છે. 8,15,794 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10084 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે એક દર્દીનું મોત થયું હતું. અમદાવાદ કોર્પોરેશનમાં 6, વલસાડમાં 5, સુરત કોર્પોરેશનમાં 4, સુરતમાં બે, વડોદરા કોર્પોરેશનમાં બે, ખેડામાં એક અને મહેસાણામાં એક કોરોનાનો કેસ નોંધાયો હતો.