ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) દ્વારા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યા બાદ પુતિનના સહયોગી અને ભૂતપૂર્વ રશિયન રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવે કડક ચેતવણી આપી છે. તેમણે કહ્યું હતું કે, પુતિનની ધરપકડ કરવાના કોઈપણ પ્રયાસને રશિયા વિરુદ્ધ યુદ્ધની ઘોષણા માનવામાં આવશે. તેમણે ખુલ્લી ધમકી આપતા કહ્યું હતું કે, જો આમ થશે તો રશિયા કોઈપણ દેશ પર બોમ્બમારો કરી શકે છે.



રોયટર્સ અનુસાર રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવે રશિયન મીડિયાને કહ્યું હતું કે, ICC એક ગેરકાયદેસર સંસ્થા છે. રશિયા, અમેરિકા અને ચીન જેવા દેશો તેને માન્યતા આપતા નથી. કારણ કે, આ સંસ્થાએ આવું કોઈ કામ કર્યું જ નથી. પુતિનની સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ મેદવેદેવે કહ્યું હતું કે, પુતિનની અટકાયત કરવાનો કોઈપણ પ્રયાસ યુદ્ધની ઘોષણા જ હશે.

મેદવેદેવે એમ પણ કહ્યું હતું કે, જો ધરપકડનું કોઈ પગલું લેવામાં આવશે તો તે રશિયન ફેડરેશન સામે યુદ્ધની ઘોષણા હશે. તેમણે ટેલિગ્રામ પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં કહ્યું હતું કે, આ સ્થિતિમાં અમારી તમામ મિસાઈલો ચૂપ નહીં બેસે. મેદવેદેવે કહ્યું હતું કે, પશ્ચિમ સાથેના અમારા સંબંધો કદાચ અત્યાર સુધીના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યાં છે.

જ્યારે રશિયા તરફથી કહેવામાં આવ્યું છે કે, ICCનું ધરપકડ વોરંટ એક આક્રોશપૂર્વક પક્ષપાતી નિર્ણય છે. રશિયાના સંબંધમાં તે સંપૂર્ણપણે અર્થહીન છે.

ICCએ પુતિન પર શું લગાવ્યો આરોપ?

ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે પુતિન પર યુક્રેનમાં યુદ્ધ અપરાધ કરવાનો આરોપ લગાવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે, તે યુક્રેનિયન બાળકોને બળજબરીથી ગેરકાયદેસર રીતે રશિયા લાવ્યા હતા.

EUએ યુક્રેનને શસ્ત્રો આપવાનું સમર્થન કેમ કર્યું?

યુરોપિયન યુનિયનના નેતાઓએ યુક્રેનને રશિયન આક્રમણનો સામનો કરવામાં મદદ કરવા માટે આગામી 12 મહિનામાં યુક્રેનને 1 મિલિયન રાઉન્ડ આર્ટિલરી દારૂગોળો મોકલવાની યોજનાને સમર્થન આપ્યું છે.

યુક્રેને રશિયા વિશે શું કહ્યું?

એજન્સી અનુસાર, યુક્રેનની સેનાના કમાન્ડરે કહ્યું હતું કે, અમારી સેના ટૂંક સમયમાં જ વળતો હુમલો કરશે. કારણ કે પૂર્વી યુક્રેનિયન શહેર બખ્મુત પર કબજો ન મેળવી શકવાથી રશિયાનો હુમલો નબળો પડી ગયો છે. યુક્રેનિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેના હવાઈ સંરક્ષણોએ ઓડેસા ક્ષેત્રમાં છોડવામાં આવેલી બે ક્રુઝ મિસાઈલોને અટકાવી હતી. આ અઠવાડિયે બીજી વખત કેએચ-59 મિસાઇલો ઓડેસા ક્ષેત્રમાં છોડવામાં આવી છે.

ઝેલેન્સકીએ ICCને ફરિયાદ કરી હતી

રાષ્ટ્રપતિ પુતિને ગયા વર્ષે 24 ફેબ્રુઆરીએ યુક્રેન સામે યુદ્ધની ઘોષણા કરી હતી. તેમણે તેને 'લશ્કરી અભિયાન' ગણાવ્યું હતું. આ યુદ્ધને લગભગ 13 મહિના થઈ ગયા છે અને હજુ સુધી કોઈ પરિણામ આવ્યું નથી. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કીએ વારંવાર પુતિનને 'યુદ્ધ અપરાધો' માટે જવાબદાર ગણાવ્યા છે. ઝેલેન્સકીએ આ અંગે ICCમાં ફરિયાદ કરી હતી.