નવી દિલ્હીઃ કોરોના વાયરસ આવ્યાના સાત મહિના કરતા વધારે સમય થઈ ગયો છે તેમ છતાં હજુ સુધી તેની કોઈ સારવાર શોધી શકાઈ નથી. વિશ્વભરના અનેક વૈજ્ઞાનિકો દિવસ રાત કોરોનાની રસી કે દવા બનાવવામાં લાગેલા છે. WHOના કહેવા મુજબ હાલ, કોરોનાની 21 જેટલી રસી પર કામ ચાલી રહ્યું છે. તાજેતરમાં રશિયા દ્વારા કોરોનાની દવાનું પ્રથમ માનવ પરીક્ષણ સફળ રહ્યાનું દાવો કરવામાં આવ્યો છે. જો રશિયામાં કોરોના વેક્સીનનું હ્યુમન ટ્રાયલ સફળ રહેશો તો કોરોના વેક્સીન બનાવવામાં સફળતા મેળવનારો પ્રથમ દેશ બની શકે છે. હાલ ટ્વિટર પર હેશટેર કોરોના વેકસીન ટ્રેન્ડ થઈ રહ્યું છે.


ઈન્સ્ટીટયૂટ ફોર ટ્રાન્સલેશન મેડિસિન એન્ડ બાયોટેકનોલોજીની ડાયરેક્ટર વદિમ તરાસોવે કહ્યું કે, થોડા દિવસો પહેલા વેક્સીન માટે મનુષ્યો પર પરીક્ષણ માટે કેટલાક વોલેંટિયર્સની પસંદગી કરવામાં આવી હતી.  જે પૈકી પ્રથમ બેચને બુધવારે અને બીજી બેચને 20 જુલાઈએ રજા આપી દેવામાં આવશે. જો બધુ યોગ્ય રહ્યું તો વિશ્વને ટૂંક સમયમાં કોરોનાને રોકતી વેક્સીન મળી જશે.



તરાસોવ મુજબ, યુનિવર્સિટીએ વેક્સીનનું વોલેંટિયર્સ પર સફળતાપૂર્વક પરીક્ષણ પૂરું કરી લીધું છે. તેમણે કહ્યું, અમારી પ્રાથમિકતા માનવ જીવનની સુરક્ષા હતી અને કોઈ રિસ્ક લેવા નહોતા માંગતા, તેથી હ્યુમન ટ્રાયલ પહેલા તેનું જાનવરો પર પણ પરીક્ષણ કરવામાં આવ્યું.

કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત દેશના લિસ્ટમાં રશિયા ભારત પછી ચોથા સ્થાને છે. જો રશિયાનો દાવો સાચો સાબિત થશે તો સમગ્ર વિશ્વ માટે મોટી ઉપલબ્ધી હશે. વિશ્વના અનેક શક્તિશાળી દેશો કોરોનાની રસી બનાવવામાં લાગેલા છે પરંતુ હજુ સુધી કોઈપણ દેશને હ્યુમન ટ્રાયલમાં પૂરી રીતે સફળતા નથી મળી.

ભારતમાં પણ કોરોનાની વેકસીન તૈયાર કરવામાં આવી રહી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને ભારત બાયોટેકે મળીને કોવેક્સીન નામની રસી તૈયાર કરી છે. આ રસી 15 ઓગસ્ટ સુધી લોન્ચ કરવામાં આવી શકે છે.