Russia Ukraine Conflict: હાલ રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો અને જે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે. આ સ્થિતિની શરુઆત યુક્રેનના પ્રધાનમંત્રીએ નાટો (NATO)માં જોડાવાની જાહેરાત કરી હતી ત્યારથી જ થઈ હતી હતી. યુક્રેનના આ પગલાથી રશિયાએ પોતાની તાકાત બતાવવાનું શરુ કર્યુ હતું. ત્યારે સમજીએ કે નાટો(NATO) શું છે અને તેનાથી રશિયા કેમ ડરે છે.
NATO સંગઠનની શરુઆતઃ
NATOનું પુરુ નામ નોર્થ એટલાન્ટીક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન છે અને તેની સ્થાપના બીજા વિશ્વ યુદ્ધ બાદ થઈ હતી. આ સંગઠનની શરુઆતમાં ફક્ત બે દેશો ફ્રાન્સ અને યુનાઈટેડ કિંગ્ડમ (UK) વચ્ચે થયેલા એક કરાર આધારે થઈ હતી. આગળ જતાં વર્ષ 1949ના એપ્રિલ મહિનામાં વધુ દેશો જોડાયા અને તેનું નામ નાટો પડ્યું હતું.
NATO સંગઠનનો હેતુઃ
નાટો સંગઠન બનાવવાનો મુખ્ય હેતુ સંગઠનના સભ્ય દેશોની રક્ષા કરવાનો છે. જ્યારે એક દેશ પર હુમલો થાયે ત્યારે નાટોના સભ્ય દેશો તે દેશને બચાવવા માટે દુશ્મન દેશ પર સાથે મળીને હુમલો કરશે. સભ્ય દેશને કોઈ બીજો દેશ ધમકી પણ આપે તો ધમકી આપનાર દેશનો પ્રતિકાર કરવો તે પણ નાટોનો હેતુ છે. નાટોએ અત્યાર સુધી બોસનીયા અને હર્ઝેગોવીના, કોસાવો, લિબીયા જેવા વિવાદોમાં દખલ આપી છે.
NATO સંગઠનના સભ્ય દેશોઃ
હાલ નાટો સંગઠનમાં કુલ 30 દેશો સભ્યપદ ધરાવે છે. 1949 જ્યારે નાટોની સ્થાપના થઈ ત્યારે તેમાં 12 દેશો હતા જેમણે નાટો સંગઠનનો કરાર કર્યો હતો. આ દેશોમાં અમેરિકા, યુકે, બેલ્જીયમ, કેનેડા, ડેનમાર્ક, ફ્રાન્સ, આઈસલેન્ડ, ઈટલી, લક્ઝમર્ગ, નેધરલેન્ડ, નોર્વે અને પોર્ટુગલ હતા. ત્યાર બાદ ગ્રીસ અને તુર્કી 1952માં, 1982માં સ્પેન આ સંગઠનમાં જોડાયા હતા. 1990માં જર્મની દેશ પણ જોડાયો હતો.
વર્ષ 1997માં નાટોએ પોતાના સંગઠનમાં વધુ દેશો જોડીને પોતાના સંગઠનનો ફેલાવો વધાર્યો હતો. આ દેશોમાં હંગેરી, ચેક રીપબ્લીક, પોલેન્ડ, બુલ્ગેરીયા, ઈસ્ટોનીયા, લાટવીયા, લીથુઆનીયા, રોમાનીયા, સોલ્વેનયા, અલ્બાનીયા અને ક્રોશિયાનો સમાવેશ થાય છે. થોડા સમય પહેલાં વર્ષ 2017માં મોન્ટેનેગેરો અને વર્ષ 2020માં નોર્થ મેકેડોનીયા નાટો સંગઠનમાં જોડાયા હતા.
હાલ 3 દેશો આ સંગઠનમાં જોડાઈ શકે છે તેની યાદીમાં છે. આ ત્રણ દેશો યુક્રેન, બોસનીયા - હર્ઝેગોવીના અને જોર્જીયા છે. યુક્રેન આ યાદીમાં આવતાં જ રશિયાના પેટમાં તેલ રેડાયું હતું.
NATOથી રશિયા કેમ ડરે છેઃ
નાટો દેશમાં દુનિયાના સૌથી શક્તિશાળી દેશોનો સમાવેશ થાય છે. આ સંગઠનનો મુખ્ય હેતુ સભ્યો દેશોની યુદ્ધ સમયે રક્ષા કરવાનો છે. તેથી હવે રશિયાની બોર્ડર પર આવેલો યુક્રેન દેશ જે પહેલાં સોવિયેત યુનિયનનો જ ભાગ હતો તે નાટોનો સભ્ય બનવા જઈ રહ્યો છે. આ વાતથી રશિયાને ડર છે કે યુક્રેનની સરહદ પર અમેરિકાની સેના પહોંચી જશે અને અમેરિકા રશિયા પર દબાણ કરી શકશે. અમેરિકા પોતાની બોર્ડર સુધી ના પહોંચી શકે તે માટે રશિયા હાલ યુક્રેન પર આક્રમણ કરીને તેને દબાવવાનો પ્રાયસ કરી રહ્યુ છે.