Russia Ukraine Crisis: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો આજે પાંચમો દિવસ છે. યુક્રેન તાબે નહીં થતાં રશિયા હવે આક્રમક થઈ ગયું છે. રશિયાએ 36 દેશો માટે એરસ્પેસ બંધ કરી છે. જેમાં કેનેડા, જર્મની, ઈટાલી, ફ્રાંસ અને સ્પેનનો પણ સમાવેશ થાય છે.
યુક્રેનમાં કેવી છે સ્થિતિ ? કેટલા ભારતીય વતન પરત ફર્યા, જાણો વિદેશ મંત્રાલયે શું કહ્યું
રશિયા સાથેના યુદ્ધને કારણે હજારો ભારતીયો યુક્રેનમાં ફસાયેલા છે, તેમને બહાર કાઢવાના પ્રયાસો સતત ચાલુ છે. અત્યાર સુધીમાં 6 ફ્લાઈટ ભારતીયો સાથે વતન પરત ફરી છે. વિદેશ મંત્રાલયે યુક્રેનની સ્થિતિ અને ત્યાંથી અત્યાર સુધીમાં કેટલા ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા છે તેની માહિતી આપી હતી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, ભારતીયોને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે. જમીન પર પરિસ્થિતિ ખૂબ જ જટિલ અને ચિંતાજનક છે પરંતુ અમે રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવી છે. અમે એડવાઈઝરી જારી કર્યા પછી 8000 ભારતીયોએ યુક્રેન છોડ્યું છે, હુમલા પછી નહીં.
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, હાલમાં 1400 ભારતીય નાગરિકોને લઈને 6 ફ્લાઈટ્સ આવી છે. 4 ફ્લાઈટ્સ બુકારેસ્ટ (રોમાનિયા) અને 2 ફ્લાઈટ્સ બુડાપેસ્ટ (હંગેરી) થી આવી છે. તેમણે એમ પણ કહ્યું કે યુક્રેનની સરહદે આવેલા ચાર દેશોમાં કેન્દ્રીય મંત્રીઓને વિશેષ દૂત તરીકે તૈનાત કરવામાં આવશે. જ્યોતિરાદિત્ય સિંધિયા રોમાનિયા જશે. જ્યારે કિરેન રિજીજુ સ્લોવાક રિપબ્લિકની મુલાકાત લેશે, હરદીપ પુરી હંગેરી જશે અને ભૂતપૂર્વ આર્મી સ્ટાફ વીકે સિંહ પોલેન્ડ જશે. આ તમામ મંત્રીઓ ભારતીયોને બહાર કાઢવા અને અન્ય બાબતોનું ધ્યાન રાખશે.
બાગચીએ કહ્યું કે યુક્રેન સરહદ પાર કર્યા પછી ફ્લાઈટ્સ ઉપલબ્ધ છે. પરંતુ લોકો સીધા સરહદ સુધી ન પહોંચે. તેઓ આવશે તો લાંબી લાઈનમાં ઉભા રહેવું પડશે. તેઓએ તેમના પડોશી શહેરોમાં આશ્રય લેવો જોઈએ. ત્યાં અમારી ટીમ મદદ કરશે. ટીમની સલાહ પર જ બોર્ડર તરફ જાવ. વિદેશ મંત્રાલયે કહ્યું, અમારી પાસે મોલ્ડોવા થઈને નવો માર્ગ છે, તે હવે કાર્યરત છે, અમારી ટીમ તમને મદદ કરશે. તેઓ રોમાનિયા મારફતે ભારતીયોને બહાર કાઢવામાં મદદ કરશે. યુક્રેનના રાજદૂતની વિનંતી મુજબ અમે યુક્રેનને દવાઓ સહિત માનવતાવાદી સહાય પણ મોકલીશું.