Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો એક મહિના જેટલો સમય થવા આવ્યો છે. આ દરમિયાન યુક્રેને દાવો કર્યો છે કે યુદ્ધમાં અત્યાર સુધીમાં 15,300 રશિયન સૈનિકો માર્યા ગયા છે. યુક્રેનના વિદેશ મંત્રાલયે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. વિદેશ મંત્રાલયે દાવો કર્યો કે, "કુલ 99 એરક્રાફ્ટ, 123 હેલિકોપ્ટર, 509 ટેન્ક, 24 UAV, 15 ખાસ સાધનો, 1000 વાહનો, 45 એન્ટી એરક્રાફ્ટ વોરફેર સિસ્ટમ્સ, 1556 અલગ-અલગ સશસ્ત્ર વાહનોને નષ્ટ કરવામાં આવ્યા છે.


યુક્રેનનું વિદેશ મંત્રાલય સતત આવી ટ્વિટ કરીને યુક્રેનિયન દળો દ્વારા રશિયાને યુદ્ધમાં થયેલા નુકસાનની માહિતી આપે છે. જો કે, આ ડેટાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને યુક્રેનને થયેલા નુકસાનનો ડેટા પણ અસ્પષ્ટ છે.




ઝેલેન્સકીએ કહ્યું કે પુતિન સાથે વાત કરવા તૈયાર છે


સોમવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ તેમના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિન સાથે સીધી શાંતિ વાટાઘાટોની તેમની ઓફરને પુનરાવર્તિત કરી હતી. ઝેલેન્સકીએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે તે "કોઈપણ ફોર્મેટમાં" ચર્ચા કરવા માટે પુટિન સાથે મળવા માટે તૈયાર છે.


35 લાખથી વધુ લોકોએ યુક્રેન છોડી દીધું


યુએન શરણાર્થી એજન્સીનું કહેવું છે કે યુક્રેન પર રશિયાના આક્રમણ બાદથી 35 લાખથી વધુ લોકોએ દેશ છોડી દીધો છે. બીજા વિશ્વ યુદ્ધ પછી શરણાર્થીઓની સંખ્યા સહિત વિવિધ રીતે યુરોપ માટે આ સૌથી મોટી શરણાર્થી કટોકટી છે. યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજીસ (UNHCR) ના કાર્યાલયે મંગળવારે જણાવ્યું હતું કે 35.30 લાખ લોકોએ યુક્રેન છોડી દીધું છે. તેમાંથી પોલેન્ડે સૌથી વધુ 21 લાખ લોકોને આશ્રય આપ્યો છે. તે પછી રોમાનિયાએ 5.40 લાખ લોકોને આશ્રય આપ્યો છે અને મોલ્ડોવાએ 3.67 લાખથી વધુ લોકોને આશ્રય આપ્યો છે.