Russia-Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ અને ઈટાલીના વડાપ્રધાન જિયોગિયા મેલોની પણ યુક્રેન પહોંચ્યા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન ગઈકાલે પોલેન્ડથી અચાનક કિવ પહોંચ્યા હતા, જ્યાં તેમણે પાંચ કલાક વિતાવ્યા હતા. આ દરમિયાન તેમણે યુક્રેનને 500 મિલિયન ડોલરની સહાય આપી હતી.
બીજી તરફ, આજે એટલે કે મંગળવારે (21 ફેબ્રુઆરી) રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફેડરલ યુનિયનમાં બેઠકને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે યુક્રેનને મદદ આપનારા દેશો પર નિશાન સાધ્યું અને કહ્યું હતું કે પશ્ચિમી દેશો યુદ્ધને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે યુક્રેન યુદ્ધ રોકવાનો પ્રયાસ કરવા માંગે છે.
રશિયન રાષ્ટ્રપતિ ભાષણ આપી રહ્યા હતા
જ્યારે રશિયન રાષ્ટ્રપતિ ભાષણ આપી રહ્યા હતા તે જ સમયે રશિયન સેનાએ યુક્રેન પર હુમલો કર્યો હતો. યુક્રેનની સૈન્યએ જણાવ્યું હતું કે મંગળવારે (21 ફેબ્રુઆરી) દક્ષિણ યુક્રેનિયન શહેર ખેરસોનમાં બજાર અને જાહેર પરિવહન સ્ટોપ પર રશિયન ગોળીબારમાં છ નાગરિકો માર્યા ગયા હતા અને 12 ઘાયલ થયા હતા. રોઇટર્સે આ અહેવાલ આપ્યો હતો. યુક્રેનના સધર્ન આર્મી કમાન્ડરે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે ખેરસોનમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે.
છેલ્લા એક વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં બંને તરફથી લાખો લોકોના મોત થયા છે. યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર હ્યુમન રાઈટ્સ (OHCHR)ના કાર્યાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા એક વર્ષમાં યુક્રેનમાં 71,000 થી વધુ નાગરિકોના મૃત્યુની પુષ્ટી થઈ છે. અમેરિકાના એક રિપોર્ટ અનુસાર છેલ્લા 12 મહિનામાં લગભગ 2 લાખ રશિયન સૈનિકો માર્યા ગયા છે, જે અમેરિકાના 20 વર્ષના ઈતિહાસમાં અફઘાનિસ્તાનમાં માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા કરતા 8 ગણી વધારે છે.