Russia Ukraine War: રશિયા-યુક્રેન વચ્ચે આજે યુદ્ધનો 17મો દિવસ છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા ભારત સરકારે મિશન ગંગા ઓપરેશન શરૂ કર્યું છે. જે અંતર્ગત હજારો ભારતીયોની ઘર વાપસી થઈ છે અને હજુ પણ જે ફસાયેલા છે તેમને સહી સલામત લાવવામાં આવી રહ્યા છે. ઉત્તરપૂર્વીય યુક્રેનના સંઘર્ષગ્રસ્ત શહેર સુમીમાંથી બહાર કાઢવામાં આવેલા 674 લોકોને લઈ જતી ત્રણ ફ્લાઈટ્સ શુક્રવારે દિલ્હી આવી હતી, પરત આવનારાઓએ તેઓ જે ભયાનકતામાંથી પસાર થયા હતા અને કેવી રીતે તેઓ બે અઠવાડિયા સુધી યુદ્ધમાંથી બચી ગયા હતા તેની વાત કરી હતી. 461 લોકો સાથેના બે એરક્રાફ્ટ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સવારે 5.45 અને બપોરે 12.20 કલાકે પહોંચ્યા જ્યારે ભારતીય વાયુસેના (IAF) C-17 213 મુસાફરોને લઈને બપોરે 12.15 કલાકે હિંડોન એરબેઝ પર ઉતર્યું.
આ દરમિયાન યુક્રેનના સુમીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થી પરત આવતાં તેમના વાલીઓએ હાશકારો અનુભવ્યો હતો. કાશ્મીરના શ્રીનગરના સંજય પંડિતાએ યુક્રેનના સુમીમાં ફસાયેલા તેમના પુત્રને બહાર કાઢવા બદલ સરકારનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું, "હું કહેવા માંગુ છું કે મોદીજીનો પુત્ર પાછો આવ્યો છે, મારો પુત્ર નહીં."
પંડિતાએ લાગણીશીલ થઈ કહ્યું કે સુમીમાં સંઘર્ષની પરિસ્થિતિને કારણે તેઓ તેમના પુત્રના પરત આવવાની આશા રાખતા નહોતા અને સરકારનો આભાર માને છે. સુમીના સંજોગો જોતાં અમને કોઈ આશા નહોતી. મારા પુત્રને બહાર કાઢવા માટે હું ભારત સરકારનો આભાર માનું છું.
જ્યારે વિદ્યાર્થીઓ દિલ્હી એરપોર્ટની બહાર આવ્યા અને તેમના માતાપિતાને ભેટી પડ્યા હતા. આ સમયે લાગણીશીલ દ્રશ્યો સર્જાયા હતા. ઘણા માતા-પિતાએ તેમની આંખોમાં હર્ષના આંસુ સાથે મીઠાઈઓ વહેંચી અને તેમના બાળકોને હાર પહેરાવ્યા. જ્યારે કેટલાક લોકોએ તેમના બાળકોને ગુલદસ્તો અને આલિંગન આપી આવકાર્યા હતા. આ સમયે પરિવારના કેટલાક સભ્યો દ્વારા "ભારત માતા કી જય" અને "મોદી હૈ તો મુમકીન હૈ" ના નારા પણ લગાવવામાં આવ્યા હતા.