Russia Ukraine War: રશિયા-યુક્રેન વચ્ચે ત્રીજા સપ્તાહે પણ જંગ ચાલુ છે. આજે બંને દેશો વચ્ચે યુદ્ધનો 17મો દિવસ છે. રશિયન સૈનિકો યુક્રેનના વિવિધ શહેરોમાં પર બોમ્બમારો કરી રહ્યા છે. રશિયન સેના કિવ તરફ ઝડપતી આગળ વધી રહી છે. યુસ્કેરન સરકારે દાવો કર્યો છે કે શુક્રવારે પશ્ચિમ વિસ્તારોમાં એરપોર્ટ નજીક બોમ્બ ધડાકા કરાયા હતા. સેટેલાઈટ તસવીરોમાં આ ખુલાસો થયો છે.


મારિયુપોલ સહિત અનેક શહેરોમાં તબાહી


યુક્રેનના નિપરોમાં રશિયાના હવાઈ હુમલા બાદ નાના બાળકોની સ્કૂલ અને એક રહેણાંક ઈમારતમાં આગ લાગી છે. આ હુમલામાં એક શખ્સનું દર્દનાક મોત થયું છે. યુક્રેનના મારિયુપોલમાં હોસ્પિટલ પર હુમલો કરાયો છે અને ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે. હુમલા બાદ હોસ્પિટલ બિલ્ડિંગ તબાહ થઈ ગઈ છે. ચારેબાજુ અફડા તફડીનો માહોલ છે. મારિયુપોલમાં રશિયન હુમલા બાદ અનેક જગ્યાએ લોકો કાટમાળમાં ફસાયા છે અને લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાદ્ય ચીજો માટે લોકો તરસી રહ્યા છે. પીવાના પાણી માટે લોકો ફાંફા મારી રહ્યા છે. ઘણી જગ્યાએ લોકો બરફ પીગાળીને પી રહ્યા છે.


ભીષણ બોમ્બમારા વચ્ચે લોકોનું પલાયન શરૂ


ભીષણ બોમ્બમારા વચ્ચે લોકોમાં ડરનો માહોલ છે. મોટી સંખ્યામાં ફસાયેલા લોકો બહાર નીકળવા હવાતિયા મારી રહ્યા છે. જેમને પણ દેશ છોડવાની તક મળી રહી છે તેઓ પલાયન કરી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘે દાવો કર્યો છે કે યુદ્ધના કારણે 25 લાખ લોકો યુક્રેન છોડવા મજબૂર બન્યા છે. યુક્રેનના રાષ્ટ્રપકતિ ઝેલેન્સ્કીએ મારિયુપોલમાં સુરક્ષિત કોરિડોરમાં રશિયા પર હુમલો કર્યાનો આરોપ લગાવ્યો હતો. શુક્રવારે ઝેલેન્સ્કીએ રશિયાના કેમિકલ હથિયાર બનાવવાના આરોપનો જવાબ આપતાં જણાવ્યું કે, અમે કોઈ કેમિકલ હથિયાર બનાવ્યા નથી. રશિયા તરફથી આમ કરવામાં આવશે તો તેમણે વધારે આકરા પ્રતિબંધો માટે તૈયાર રહેવું જોઈએ.