Russia Ukraine War: 40 રશિયન ફાઇટર જેટને તોડી પાડનાર Ghost of Kyivનું ગયા મહિને મોત થયું હતું. આ યુક્રેનિયન પાઈલટની ઓળખ મેજર સ્ટેપન તારાબાલ્કા (29) તરીકે થઈ છે. મીડિયા અહેવાલો અનુસાર, 13 માર્ચે તેમનું મૃત્યુ થયું હતું. દુશ્મનો સામે લડતી વખતે તેમનું મિગ-29 ફાઈટર પ્લેન નાશ પામતાં તેનું મોત થયું હતું..


યુક્રેનિયન સરકારે યુદ્ધના પહેલા જ દિવસે છ રશિયન ફાઇટર જેટને તોડી પાડ્યા હોવાના અહેવાલ પછી યુક્રેનિયનો દ્વારા તારાબાલ્કાને "ભગવાન દ્વારા મોકલવામાં આવેલ દેવદૂત" તરીકે ગણવામાં આવ્યા હતા. તે સમયે તેની ઓળખ જાહેર કરવામાં આવી ન હતી. આ ગુપ્તતાને કારણે તેને ઘોસ્ટ ઓફ કિવ કહેવામાં આવતા હતા. 27 ફેબ્રુઆરીના રોજ, યુક્રેનિયન સરકારે ટ્વિટ કર્યું, "લોકો તેને ઘોસ્ટ ઓફ કિવ કહે છે તે બરાબર છે. તે રશિયન ફાઇટર જેટ્સ માટે દુઃસ્વપ્ન બની ગયો હતો."


મરણોત્તર સન્માન મળ્યું


મેજર તારાબાલ્કાને મરણોત્તર ઓર્ડર ઓફ ધ ગોલ્ડન સ્ટારથી નવાજવામાં આવ્યા છે, જે યુદ્ધમાં અદમ્ય વીરતા માટે યુક્રેનનું સર્વોચ્ચ સન્માન છે. તેમને યુક્રેનના હીરોનું બિરુદ આપવામાં આવ્યું છે. તેમના પરિવારમાં પત્ની ઓલેનિયા અને 8 વર્ષનો પુત્ર યારિક છે.


મજૂર પરિવારમાં થયો હતો જન્મ


ટાઈમ્સના અહેવાલ અનુસાર, મેજર તારાબાલ્કાનો જન્મ પશ્ચિમ યુક્રેનના કોરોલીવકાના એક નાના ગામડાના એક મજૂર વર્ગના પરિવારમાં થયો હતો. બાળપણમાં જ તેણે પાઈલટ બનવાનું સ્વપ્ન સેવ્યું હતું. તે તેના ગામ ઉપરથી ઉડતા વિમાનો જોતો હતો.




પિતાએ શું કહ્યું


મેજર તારાબાલ્કાના માતા-પિતાએ જણાવ્યું હતું કે યુક્રેનની સેનાએ તેની છેલ્લી લડાઈ કે મૃત્યુ અંગે અન્ય કોઈ માહિતી આપી નથી. તેના પિતા ઈવાને મીડિયાને કહ્યું, 'અમને ખબર હતી કે તે ફ્લાઈંગ મિશન પર હતો અને તેણે પોતાનું કામ પૂરું કર્યું. પછી તે પાછો આવ્યો નથી. અમારી પાસે આ જ માહિતી છે.


લોકોએ ઉઠાવ્યા આવા સવાલ


ઘણા લોકોએ એવો પણ સવાલ ઉઠાવ્યો હતો કે શું ઘોસ્ટ ઓફ કિવ વાસ્તવિક હતું કે યુક્રેનિયન સરકાર દ્વારા મનોબળ વધારવા માટે બનાવાયેલી અફવા. મેજર તારાબાલ્કાના માતા-પિતાને પણ તેની ગુપ્ત સ્થિતિની જાણ ન હતી. તેમના મૃત્યુ પછી જ દુનિયાને તેમનું સત્ય ખબર પડી છે