Elon Musk: ટ્વિટર પર કરોડો ફોલોવર્સ સાથે મોટું ફેન ફોલોવિંગ ધરાવતા ટેસ્લાના CEO એલોન મસ્કે થોડા દિવસો પહેલાં ટ્વિટરને ખરીદવાની ઓફર મુકી હતી. એલોન મસ્કે 54.20 ડોલર પ્રતિ શેર સાથે કુલ 41 અરબ ડોલરમાં ટ્વિટરને ખરીદી લેવાની ઓફર મુકી હતી. હવે મળતા અહેવાલો મુજબ ટ્વિટરના બોર્ડ ઓફ ડિરેક્ટર એલોન મસ્કના આ પ્રસ્તાવ પર વિચાર કરીને ડીલને મંજૂરી આપી શકે છે. આ ડિલ અંગેની જાણકારી આજે આવી શકે છે. ટ્વિટરનું બોર્ડ આજે એલોન મસ્કના ઓફર પર ચર્ચા કરવા માટે મિટીંગ કરશે.


આ પહેલાં સમાચાર આવ્યા હતા કે, ટેસ્લાના સીઈઓ એલોન મસ્કના ટ્વિટરને ખરીદવાના પ્રસ્તાવ પર ટ્વિટર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે. બંને પક્ષો વચ્ચે આ ડીલને લઈને વાતચીત ચાલી રહી છે. જો કે પહેલાં ટ્વિટર તરફથી મસ્કની ઓફર પર કોઈ વિચાર કરવામાં નહોતો આવ્યો અને ટ્વિટરને વેચવાની ના પાડી દેવામાં આવી હતી. ત્યાર બાદ હવે ટ્વિટરનું બોર્ડ નવેસરથી એલોન મસ્કના પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે.


એલોન મસ્કે પહેલાં જ કહ્યું હતું કે, તેમણે ટ્વિટરને ખરીદવા માટે જરુરી 46.5 અરબ ડોલરની ફંડિંગની વ્યવસ્થા કરી લીધી છે. હવે તેઓ સીધા ટ્વિટરના શેરધારકોને અપીલ કરવાના છે. કારણ કે તેઓ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ખરીદવા ઈચ્છે છે. મસ્કના આ નિવેદન પહેલાં ટ્વિટરના બોર્ડ તરફથી એલોન મસ્કના પ્રસ્તાવને નકારી દેવામાં આવ્યો હતો.


એલોન મસ્કે કુલ 41 અરબ ડોલરમાં ટ્વિટરને ખરીદવાની ઓફર મુકી હતી. મસ્કે ટ્વિટરના પ્રતિ શેર દીઠ 54.20 ડોલર આપવાનો પ્રસ્તાવ મુક્યો હતો. પ્રતિ શેરનો આ રેટ એપ્રિલ 2022ના શેરના મુલ્ય કરતાં 38 ટકા વધુ હતો. મસ્કે આ ઓફરનો ખુલાસો એક નિયામક ફાઈલિંગમાં કર્યો હતો. જો કે, આ પહેલાં તેમણે ટ્વિટરના બોર્ડમાં જોડાવાના પ્રસ્તાવને ફગાવી દીધો હતો.