Russia Ukraine War: યુક્રેન પર રશિયાના હુમલા અટકતા નથી. સાડા ચાર મહિના થવા છતાં બંને દેશમાં એક પણ દેશ નમવા તૈયાર નથી. તાજેતરની માહિતી મુજબ રશિયાએ યુક્રેનમાં એપાર્ટમેન્ટ બિલ્ડિંગ પર હુમલો કર્યો છે. હુમલા બાદ એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં ડઝનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીના ચીફ ઓફ સ્ટાફ એન્ડ્રી યેર્માકે જણાવ્યું હતું કે ચાસીવ યાર શહેરના ડોનેત્સ્ક વિસ્તારમાં રશિયાએ વધુ એક આતંકવાદી હુમલો કર્યો છે. આ હુમલામાં 15 લોકોના મોત થયા હતા. રશિયાના હુમલાથી પ્રભાવિત થયેલી આ ઇમારતમાં ડઝનેક લોકો ફસાયા હોવાની આશંકા છે.
રશિયાએ પાંચ માળની ઈમારત પર કર્યો રોકેટ હુમલો
રશિયાએ પૂર્વી યૂક્રેનમાં યૂક્રેન એપાર્ટમેન્ટની ઇમારત પર શનિવારે રાત્રે રોકેટ હુમલો કર્યો હતો. અપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં રશિયન રોકેટ હુમલા બાદ રેસ્ક્યૂ ટીમ બિલ્ડિંગના કાટમાળમાં એક બાળક સહિત બે ડઝન લોકોની શોધખોળ કરી રહી છે. રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીના ચીફ ઓફ સ્ટાફ આન્દ્રે યર્માકે જણાવ્યું હતું કે, ચાસિવયાર શહેરમાં થયેલો હુમલો સંપૂર્ણપણે આતંકવાદી હુમલો હતો. આ માટે રશિયાને આતંકવાદના પ્રાયોજક તરીકે ઓળખવું જોઈએ. આ હુમલો એટલો ખતરનાક હતો કે બચાવકર્તાઓએ રવિવારે કોંક્રિટનો સ્લેબ ઉપાડવા માટે ક્રેનનો ઉપયોગ કરવો પડ્યો હતો. સાથે જ કાટમાળમાં કોઈ દટાઈ જવાની આશંકાને કારણે બચાવકર્મીઓએ હાથથી કાટમાળ ખોદવો પડ્યો હતો.
હુમલામાં બચી ગયેલા લોકોએ તેમની આપવીતી વર્ણવી
શનિવારે સાંજે થયેલા હુમલામાં બચી ગયેલા લોકો પોતાનો સામાન લેવા માટે યુક્રેન એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં પહોંચ્યા હતા. આ દરમિયાન લોકોએ પોતાની આપવીતી કહી હતી. એક મહિલા લોખંડનું બોર્ડ, એક છત્રી અને પ્લાસ્ટિકની શોપિંગ બેગ સાથે નાશ પામેલી ઇમારતની બહાર નીકળતી જોવા મળી હતી, જ્યારે અન્ય લોકો બચાવકર્તાઓ દ્વારા કાટમાળમાંથી મૃતદેહોને બહાર કાઢવાના ભયાનક દ્રશ્યો જોતા હતા. ત્યાં ત્રણ હુમલા થયા હતા.
રશિયન સૈન્યએ ગામમાં નાંખ્યો પડાવ
લુહાન્સ્ક ક્ષેત્રના ગવર્નર સેર્હી ગૈડાઇએ જણાવ્યું હતું કે સ્લોવિયાસ્કથી લગભગ 50 કિલોમીટર પૂર્વમાં આવેલા બિલોહોરિવકા ગામ નજીક રશિયન સૈનિકો એકઠા થઈ રહ્યા છે. તેમણે ટેલિગ્રામ પર જણાવ્યું હતું કે, "રશિયા આસપાસની વસાહતો પર તોપમારો કરી રહ્યું છે, હવાઈ હુમલા કરી રહ્યું છે, પરંતુ તે હજી પણ સમગ્ર લુહાન્સ્ક ક્ષેત્રને કબજે કરવામાં નિષ્ફળ રહ્યું છે."