Russia-Ukraine War: રશિયાના હુમલાને લઈને યુક્રેન દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે. યુક્રેનના સ્વતંત્રતા દિવસના અવસર પર રશિયાએ અહીંના એક રેલવે સ્ટેશન પર રોકેટ હુમલો કર્યો હતો જેમાં 22 લોકોના મોતનો દાવો કરવામાં આવ્યો છે. આ હુમલામાં 50 લોકો ઘાયલ પણ થયા છે. આ જાણકારી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ આપી હતી.
થોડા દિવસો પહેલા અમેરિકી સુરક્ષા એજન્સીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે રશિયા 24 ઓગસ્ટ એટલે કે યુક્રેનના સ્વતંત્રતા દિવસના દિવસે મોટો હુમલો કરી શકે છે અને યુક્રેનમાં જ એવી તૈયારીઓ કરી હતી કે જો રશિયા તરફથી કોઈ મોટો હુમલો થાય તો તેનો યોગ્ય જવાબ આપવામાં આવે.
યુક્રેનની સમાચાર એજન્સીઓએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ યુએન સિક્યુરિટી કાઉન્સિલને એક વીડિયો દ્વારા હુમલાની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ જીવલેણ હુમલો નિપ્રોપેટ્રોવસ્ક ક્ષેત્રના ચેપલને શહેરમાં થયો હતો. આ શહેરની વસ્તી આશરે 3,500 છે.
યુક્રેન 31મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે
ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા છ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન, ગઈકાલે એટલે કે 24 ઓગસ્ટના રોજ યુક્રેને તેનો 31મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો હતો. યુક્રેન 24 ઓગસ્ટ 1991ના રોજ સોવિયેત સંઘમાંથી સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું હતુ. આજે યુક્રેનનો સ્વતંત્રતા દિવસ છે. દર વર્ષે આ દિવસ ધામધૂમથી ઉજવવામાં આવે છે, પરંતુ આ વખતે ઉજવણીના બદલે યુક્રેનિયન લોકોના હૃદયમાં ગભરાટ ફેલાઇ રહ્યો છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને ડર છે કે આ દિવસે રશિયા ખૂબ જ ભયંકર કંઈક કરી શકે છે. આ વર્ષે 24 ફેબ્રુઆરીએ રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું હતું.