Russia Ukraine War: રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધનો આજે 11મો દિવસ છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા કેન્દ્ર સરકારે મિશન ગંગા ઓપરેશન શરૂ કર્યુ છે. જેમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવામાં આવી રહ્યા છે. યુક્રેનના મોટા શહેરોમાં રશિયા દ્વારા કરવામાં આવતાં હુમલાને લઈ ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓ પગપાળા બોર્ડર સુધી નીકળી પડ્યા છે.


આ વિદ્યાર્થીઓએ ઈન્ડિયન એમ્બેસીને નિષ્ફળ ગણાવીને વીડિયો પણ જાહેર કર્યા છે. જેમાં તેમણે મેસેજ આપ્યો છે રસ્તામાં તેમને જીવનું જોખમ છે. જો કંઈ થશે તો તેની જવાબદારી સરકાર અને એમ્બેસીની રહેશે. મ્બેસી હજુ પણ વિદ્યાર્થીઓને ધીરજ રાખવા અપીલ કરી રહી છે. જ્યારે, વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે તમામ ભારતીય વિદ્યાર્થીઓને સતર્ક અને સુરક્ષિતરહેવા માટે કહ્યું છે. વિદ્યાર્થીઓ કોઈ સુરક્ષિત જગ્યાએ રહે અને બીનજરૂરી જોખમ ન ઉઠાવે. વિદેશ મંત્રાલય અને અમારો દૂતાવાસ વિદ્યાર્થીઓનાં સતત સંપર્કમાં છે.






આ વિદ્યાર્થીઓ સુમી મેડિકલ યુનિવર્સિટીના છે. તેઓ વીડિયોમાં કહે છે કે અમે બંકરોમાં આશરો લીધો. થોડોક સામાન પર એકત્ર કરી રાખ્યો હતો. જે ખતમ થવા આવ્યો છે. રશિયાએ પાવર પ્લાન્ટ પર બોંબમારો કર્યો અને વીજળી જતી રહેતા પાણીની મુશ્કેલી થવા લાગી. જેથી બરફ પીગળાવીને વ્યવસ્થા કરવી પડી. અન્ય વિદ્યાથીએ કહ્યું, અમને જાણવા મળ્યું છે કે રશિયાએ યુક્રેનના મારિયાપોલ અને વોલનોખોવામાં સીઝફાયરનું એલાન કર્યુ છે. મારિયાપોલ સુમીથી 600 કિમી દૂર છે.


સવારથી અહીં સતત ગોળીબાર, બોમ્બમારો અને શેરીઓમાં લડાઈના અવાજો આવી રહ્યા છે. અમે ભયભીત છીએ. અમે ખૂબ રાહ જોઈ પણ હવે વધુ નહીં. અમે અમારી જિંદગી જોખમમાં મૂકી રહ્યા છીએ. અમે બોર્ડર તરફ જઈ રહ્યા છીએ. જો અમને કંઈ થાય છે તો તેની પૂરેપુરી જવાબદારી ભારત સરકાર અને યુક્રેનમાં ભારતીય એમ્બેસીની હશે. અમારામાંથી જો કોઈને પણ પણ કોઈ નુકસાન થાય છે તો મિશન ગંગા સંપૂર્ણપણે ફેઈલ માનવામાં આવશે. અમે અમારૂં જીવન દાવ પર લગાવી રહ્યા છીએ અને બોર્ડરની તરફ જઈ રહ્યા છીએ. આપ અમારા માટે પ્રાર્થના કરો. સરકારને અનુરોધ છે કે અમને અહીંથી નીકળવામાં મદદ કરે.