Russia Ukraine War:  યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 11મો દિવસ છે. આ 10 દિવસમાં રશિયાએ યુક્રેનના ઘણા શહેરો તબાહ કર્યા છે. 11મા દિવસની શરુઆતની સાથે 2 શહેરોમાં સીઝફાયર પછી રશિયાએ ફરીથી હુમલાઓ તેજ કરી દીધા છે. કાલે રશિયાની આર્મીએ સામન્ય લોકોને યુદ્ધ વિસ્તારમાંથી નિકળવા માટે 7 કલાક યુદ્ધ વિરામ લીધો હતો. આ વચ્ચે પુતિને ઈઝરાયલના પ્રધાનમંત્રી નફ્તાલી બેનેટ સાથે મુલાકાત કરી હતી અને અત્યાર સુધી મળેલી માહિતી પ્રમાણે આવતીકાલે 7 માર્ચે રશિયા અને યુક્રેન વચ્ચે ફરીથી વાતચીત થઈ શકે છે. 


10 હજાર રશિયન સૈનિક માર્યા ગયાઃ
યુક્રેનની સરકારે દાવો કર્યો હતો કે, અત્યાર સુધીના યુદ્ધમાં રશિયાની સેનાના 10 હજાર સૈનિકોએ જીવ ગુમાવ્યા છે. આ સિવાય યુક્રેને દાવો કર્યો હતો કે રશિયાની સેનાના 79 ફાઈટર જેટ અને હેલિકોપ્ટર સહિત 269 ટેન્ક, 945 બખ્તરબંદ લડાકુ વાહનો અને 45 મલ્ટી રોકેટ લોન્ચ સિસ્ટમને પણ યુક્રેનની સેનાએ તોડી પાડી છે. 


351 સામાન્ય નાગરીકોનાં મોતઃ
સંયુક્ત રાષ્ટ્રના એક ધ્યાન રાખતા મિશને કહ્યું છે કે, આ યુદ્ધમાં ઓછામાં ઓછા 351 સામાન્ય નાગરીકોનાં મોત થઈ ચુક્યા છે. જ્યારે 707 લોકો ઘાયલ થયા છે. જો કે, યુએનના માનવાધિકાર આયોગે કહ્યું કે, આ આંકડા વધુ હોઈ શકે છે. 


ઈઝરાયલ પીએમની પુતિન સાથે મુલાકાતઃ
શનિવારે ઇઝરાયેલના પીએમ નફતાલી બેનેટ રશિયા પહોંચ્યા હતા અને ત્યાં રાષ્ટ્રપતિ પુતિન સાથે લાંબી વાતચીત કરી. મીટિંગ દરમિયાન બેનેટે ઈચ્છા વ્યક્ત કરી કે, રશિયા યુક્રેન પર હુમલો કરવાનું બંધ કરે. પ્રાપ્ત માહિતી અનુસાર, બંને વચ્ચે લગભગ અઢી કલાક સુધી વાતચીત થઈ હતી. આ દરમિયાન ઇઝરાયલના પીએમ નફ્તાલી બેનેટે યુદ્ધ રોકવા માટે મધ્યસ્થી કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો.


ઝેલેન્સકીએ આર્થિક મદદ માંગીઃ
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ ગયા શનિવારે યુએસ પ્રમુખ જો બાઈડન સાથે ફોન પર વાત કરી હતી. ઝેલેન્સકીએ જાહેરાત કરી હતી કે, તેમણે જો બાઈડન સાથે ફોન પર વાત કરી હતી અને રશિયા સામે નાણાકીય સહાય અને પ્રતિબંધો અંગે ચર્ચા કરી હતી. યુક્રેનિયન નેતાએ અમેરિકાના સાંસદોને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કર્યા. આ દરમિયાન, ઝેલેન્સકીએ મુશ્કેલીગ્રસ્ત દેશને વધુ મદદ કરવા અને રશિયન તેલની આયાતને બ્લેકલિસ્ટ કરવા વિનંતી કરી હતી.


યુક્રેનની શાંતિ મંત્રણા ટીમના સભ્ય ડેનિસ ક્રીવની હત્યાઃ
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી મંત્રણાને મોટો ઝટકો લાગ્યો છે. યુક્રેનિયન સૈન્યએ રાજદ્રોહના કથિત આરોપમાં યુક્રેનિયન વાટાઘાટોની ટીમના સભ્ય ડેનિસ ક્રીવને ગોળી મારીને તેમની હત્યા કરી હતી. ડેનિસ ક્રીવ રશિયા-યુક્રેન વિવાદમાં યુક્રેન વતી વાટાઘાટ કરતી ટીમના સભ્ય હતા. 


પુતિને યુક્રેનને 'નો ફ્લાય ઝોન' જાહેર કરવા સામે ચેતવણી આપીઃ
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને શનિવારે કહ્યું હતું કે મોસ્કો યુક્રેન પર "નો ફ્લાય ઝોન" જાહેર કરનાર ત્રીજા પક્ષ (દેશ)ને "યુદ્ધમાં જોડાયેલા દેશ" તરીકે જોશે. આ દરમિયાન, યુક્રેનના અધિકારીઓએ આક્ષેપ કર્યો હતો કે, રશિયાએ યુદ્ધવિરામની વિરુદ્ધમાં જઈને બે શહેરો પર બોમ્બમારો કર્યો હતો, જેના કારણે લોકોને બહાર કાઢવામાં મુશ્કેલી પડી હતી.


એક-બે દિવસમાં થશે ત્રીજી શાંતિ મંત્રણાની બેઠકઃ
યુક્રેન રાષ્ટ્રપતિ કાર્યાલયના એક સલાહકાર, માયકાઈલો પોડોલીકે કહ્યું કે, રશિયા અને યુક્રેન વચ્ચેની શાંતિ મંત્રણાની બેઠક આગામી એક-બે દિવસમાં મળશે. આ બેઠકમાં લોકોને કઈ રીતે બહાર કાઢવા તે મુદ્દે પણ ચર્ચા થશે. 


બે વિસ્તારોમાં યુદ્ધવિરામઃ
રશિયન સૈન્ય શનિવારથી યુક્રેનના બે વિસ્તારોમાં યુદ્ધવિરામ માટે સંમત થયું હતું જેથી ત્યાં ફસાયેલા નાગરિકોને બહાર કાઢી શકાય. યુદ્ધવિરામનો સમયગાળો રશિયન સમય અનુસાર સવારે 10 વાગ્યે શરૂ થયો હતો. મહત્વના બંદરીય શહેર મારિયુપોલ અને પૂર્વીય શહેર વોલ્નોવાખામાંથી લોકોને સ્થળાંતર કરવા માટે રશિયાએ યુદ્ધ વિરામ માટે સંમત થયુ હતું


પરમાણુ સુરક્ષા અંગે ચિંતા:
ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોનના કાર્યાલયે જણાવ્યું હતું કે, ફ્રાન્સ યુક્રેનના પાંચ મુખ્ય પરમાણુ સ્થળોની સુરક્ષાની ખાત્રી કરવા માટે નક્કર પગલાં રજૂ કરશે. આ સુરક્ષા પગલાં આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીના ધારાધોરણોના આધારે તૈયાર કરવામાં આવશે. રશિયન સૈનિકોએ યુક્રેનના ઝાપોરિઝિયા પરમાણુ પ્લાન્ટ પર હુમલો કર્યા બાદ આ જાહેરાત કરવામાં આવી છે. 


રોમાનિયાના બુકારેસ્ટથી એરફોર્સનું વિમાન ભારત પહોંચ્યુંઃ
યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે ત્યાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે ઓપરેશન ગંગા અભિયાન ચાલી રહ્યું છે. આ અંતર્ગત 210 ભારતીયોને લઈને ભારતીય વાયુસેનાનું વિમાન આજે હિંડન એરબેઝ પર પહોંચ્યું હતું. ભારતીયોને રોમાનિયાના બુકારેસ્ટથી દિલ્હી લાવવામાં આવ્યા છે.


અઝરબૈજાન એરલાઇન્સે રશિયાની ફ્લાઇટ્સ બંધ કરીઃ
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે અન્ય દેશો રશિયા પર પ્રતિબંધો વધારી રહ્યા છે. હવે અઝરબૈજાન એરલાઈન્સે રશિયાની તમામ ફ્લાઈટો સ્થગિત કરી દીધી છે. અઝરબૈજા દેશની એરલાઇન બુટા એરવેઝ પણ રશિયન શહેરોમાં ઉડાન નહી ભરે.