Russia Ukraine War: યુએસ સેનેટમાં રિપબ્લિકન નેતા મિચ મેકકોનેલ સહિત સેનેટરોના એક પ્રતિનિધિમંડળે શનિવારે અચાનક યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી સાથે કિવમાં મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે રશિયા સાથેના યુદ્ધમાં યુક્રેન સાથે અમેરિકાની એકતા વ્યક્ત કરી હતી. મેકકોનેલે પ્રતિનિધિમંડળ યુક્રેન છોડ્યા પછી એક નિવેદનમાં જણાવ્યું કે, અમારું પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને ખાતરી આપે છે કે યુનાઇટેડ સ્ટેટ્સ યુક્રેનની સાથે મજબૂત રીતે ઊભું છે. જ્યાં સુધી યુક્રેન આ યુદ્ધ નહીં જીતે ત્યાં સુધી અમેરિકાનું સમર્થન રહેશે.
ઝેલેન્સ્કીએ વીડિયો કર્યો શેર
ઝેલેન્સકીના ટેલિગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં મેકકોનેલ, સુસાન કોલિન્સ, જ્હોન બ્રાસો અને જ્હોન કોર્નિન રાજધાની કિવમાં તેમને મળતા જોવા મળે છે. યુક્રેનિયન રાષ્ટ્રપતિએ તેમની ટેલિગ્રામ પોસ્ટમાં આ મુલાકાતને "યુએસ કોંગ્રેસ અને લોકો તરફથી યુક્રેન માટે દ્વિપક્ષીય સમર્થનના મજબૂત સંકેત" તરીકે વર્ણવ્યું હતું.
વીડિયોયો સંબોધનમાં ઝેલેન્સકીએ કહ્યું, 'હું માનું છું કે અમેરિકન ધારાસભ્યોની આ મુલાકાત અમેરિકન લોકો અને યુક્રેન વચ્ચેના મજબૂત સંબંધોને દર્શાવે છે. અમે સંરક્ષણ અને નાણાં સહિત યુક્રેન માટે મજબૂત સહકાર તેમજ રશિયા સામેના પ્રતિબંધોને વધુ કડક બનાવવાની ચર્ચા કરી યુએસ ડેલિગેશનની આ મુલાકાત એવા સમયે આવી છે જ્યારે સેનેટ યુક્રેન માટે લગભગ $40 બિલિયનના પેકેજને મંજૂરી આપવા પર કામ કરી રહી છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં ઉચ્ચ સ્તરીય યુએસ કોંગ્રેસના પ્રતિનિધિમંડળની યુક્રેનની આ બીજી મુલાકાત છે.
અગાઉ, હાઉસ સ્પીકર નેન્સી પેલોસી 1 મેના રોજ ડેમોક્રેટ ધારાસભ્યોના જૂથ સાથે યુક્રેન પહોંચ્યા હતા. આ દરમિયાન તેણે ઝેલેન્સકીને વચન આપ્યું હતું કે જ્યાં સુધી યુદ્ધ ખતમ નહીં થાય ત્યાં સુધી અમેરિકા તેમની સાથે રહેશે. તે જ સમયે, ફર્સ્ટ લેડી જીલ બિડેન મધર્સ ડે પર ઝેલેન્સકીની પત્ની ઓલેના ઝેલેન્સ્કાને મળવા ગયા સપ્તાહના અંતે પશ્ચિમ યુક્રેનની યાત્રા કરી હતી.