Russia Ukraine War: રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાનો આજે 10મો દિવસ છે. યુક્રેન પર હુમલાને લઈને રશિયાના લોકો રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની વિરુદ્ધ થઈ ગયા છે. રશિયાની રાજધાની મોસ્કો સહિત અનેક મોટા શહેરોમાં જબરદસ્ત વિરોધ થઈ રહ્યો છે. હવે એક રશિયન બિઝનેસમેન એલેક્સ કોન્યાખિને વ્લાદિમીર પુતિનના માથા પર 10 લાખ ડોલરનું ઇનામ જાહેર કર્યું છે.


કોણ છે એલેક્સ કોન્યાખિન


55 વર્ષીય એલેક્સ કોન્યાખિન જાણીતો બિઝનેસમેન છે. 1992માં તેમણે રશિયાના તત્કાલિન રાષ્ટ્રપતિ બોરિસ યેલત્સિનની આગેવાની હેઠળ યુએસમાં રશિયન પ્રતિનિધિમંડળમાં સેવા આપી હતી. બાદમાં તેમણે રશિયન એક્સચેન્જ બેંકમાં ઉચ્ચ હોદ્દા પર ક્રેમલિનના રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલય વતી કામ કર્યું. જો કે, રશિયન એક્સચેન્જ બેંકમાંથી 8 લાખ ડોલરની ઉચાપતનો આરોપ લાગ્યા બાદ તેણે રાજીનામું આપ્યું અને 2007માં યુએસ ભાગી ગયો.




શું લખ્યું છે પોસ્ટમાં


ભારતીય રૂપિયામાં ઈનામની રકમ લગભગ 7.5 કરોડ રૂપિયા થાય છે.. કોન્યાખિને તેના ફેસબુક અને લિંક્ડઇન પર પુતિનની તસવીર સાથેનું એક પોસ્ટર શેર કર્યું છે. જેના પર ‘વોન્ટેડઃ ડેડ ઓર અલાઇવ. ફોર માસ મર્ડર’ લખેલું છે. એલેક્સે પોસ્ટમાં કહ્યું કે તે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ યુદ્ધ અપરાધી તરીકે પુતિનની ધરપકડ માટે 10 લાખ ડોલર ચૂકવવા તૈયાર છે.


ફેસબુકે હટાવી પોસ્ટ


કોન્યાખિનની આ પોસ્ટને નિયમોનું ઉલ્લંઘન માનીને ફેસબુકે તેને હટાવી દીધી છે, જે બાદ રશિયન બિઝનેસમેને સ્પષ્ટતા કરી હતી કે હું લોકોને પુતિનને મારવા માટે નથી કહી રહ્યો હતો. મારો હેતુ તેમને ન્યાય અપાવવાનો છે. કોન્યાખિને આ પોસ્ટ યુક્રેન પર રશિયાના આક્રમણના લગભગ એક સપ્તાહ બાદ કરી હતી.


આ પણ વાંચોઃ


Russia Ukraine War: યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો દાવોઃ પરમાણુ પ્લાન્ટમાં વિસ્ફોટક કે લીકેજથી સમગ્ર યુરોપમાં મચશે હાહાકાર