Yevgeny Prigozhin Vladimir Putin Chef : રશિયામાં વેગનર ગ્રૂપના વડા યેવજેની પ્રિગોઝિને પોતાના જ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સામે બળવો કરી દીધો છે. આજ યેવજેની પ્રિગોઝિન એક સમયે રશિયન રાષ્ટ્રપતિના સૌથી વિશ્વાસપાત્ર વિશ્વાસુ અને એક સમયે "પુતિનના રસોયા" તરીકે ઉપનામ ધરાવતો હતો. પરંતુ વર્તમાનમાં તેમના વચ્ચેના સંબંધો એ હદે બગડ્યા છે કે તેઓ પોતાનો મોટાભાગનો સમય એકબીજાને નિશાન બનાવવામાં કાઢે કરે છે.


ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જ્યારે યુક્રેનની સેનાએ રશિયા પર ઓચિંતો જવાબી હુમલો કર્યો ત્યારે પુતિનની ભારે ટીકા થઈ હતી. ત્યારે યેવજેની પ્રિગોઝિન હજારો વેગનર ભાડૂતી સૈનિકો સાથે બચાવમાં આવ્યો અને આ કામે તેને તેમના દેશમાં યુદ્ધ હીરો બનાવી દીધો. યુક્રેનના બખ્મુત શહેરને કબજે કરવામાં વેગનરના સૈનિકોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તો જાણો કે આખરે કોણ છે યેવજેની પ્રિગોઝિન અને કેવી રીતે હોટ ડોગ સ્ટોલ કીપર ભાડૂતી સૈન્યનો વડા બને ગયો.


યેવજેની પ્રિગોઝિન છે કોણ? 


યેવજેની પ્રિગોઝિન, જેઓ "પુતિનના રસોઈયા" તરીકે પ્રખ્યાત થયા હતો. તેનો જન્મ 1961માં લેનિનગ્રાડ (સેન્ટ પીટર્સબર્ગ)માં થયો હતો. માત્ર 20 વર્ષની ઉંમરે યેવજેની ઘણા કેસોમાં વોન્ટેડ બન્યો હતો અને તેના પર હુમલો, લૂંટ અને છેતરપિંડીનો આરોપ લાગ્યા હતાં. ત્યારબાદ કોર્ટ દ્વારા દોષિત ઠેરવ્યા બાદ તેને 13 વર્ષની સજા ફટકારવામાં આવી હતી, જો કે તે 9 વર્ષમાં જ છૂટી ગયો હતો.


હોટડોગ સ્ટોલથી શરૂ થઈ યાત્રા 


જેલમાંથી છૂટ્યા બાદ પ્રિગોઝિને સેન્ટ પીટર્સબર્ગમાં હોટ ડોગ્સ વેચતો સ્ટોલ શરૂ કર્યો. આ ધંધો એટલો બધો ચાલી ગયો કે તેણે 90ના દાયકામાં શહેરમાં એક મોંઘી રેસ્ટોરન્ટ ખોલી નાખી. યેવજેની રેસ્ટોરન્ટ એટલી પ્રખ્યાત થઈ ગઈ કે, લોકો તેની બહાર લાઈનમાં રાહ જોવા લાગ્યા. જ્યારે લોકપ્રિયતા વધી તો રશિયન રાષ્ટ્રપતિ પુતિન પોતે વિદેશી મહેમાનોને આ રેસ્ટોરન્ટમાં લઈ જવા લાગ્યા.


આ તે સમયગાળો હતો જ્યારે યેવગેની પુતિનની નજીક આવ્યો હતો. ત્યા બાદ યેવજેનીને સરકારી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો. પ્રિગોઝિનની ભૂમિકા હંમેશા શંકાસ્પદ રહી છે અને તેણે લાંબા સમયથી કોઈપણ રાજકીય ભૂમિકાનો ઇનકાર કર્યો હતો. પરંતુ તેનો પ્રભાવ રાત્રિભોજનના ટેબલ સુધી પહોંચી ગયો હતો.


બનાવી પુતિનની શેડો આર્મી


લો પ્રોફાઇલ રહેનારો પ્રિગોઝિન વિદેશમાં પુતિનનો જમણો હાથ કહેવાતો હતો. આ દરમિયાન યેવજેનીએ ઘણા પૈસા કમાયા. રશિયન સૈન્ય સાથે મળીને યેવજેનીએ ખાનગી સૈન્યનું નેતૃત્વ કર્યું. પુતિને પણ પડદા પાછળ તેનો ઉપયોગ કર્યો. પછી ભલે તે અમેરિકાની ચૂંટણીમાં અવિશ્વાસ પેદા કરવાની છબી દ્વારા હોય કે પછી આફ્રિકા અને મધ્ય પૂર્વમાં યુદ્ધ લડી રહેલા ભાડૂતીઓની નિર્દયી ગેંગ તરીકેનો. પ્રિગોઝિન ગયા વર્ષે વેગનરના વડા તરીકે જાહેરમાં બહાર આવ્યો હતો. આ ભાડૂતી લડવૈયાઓને પુતિનની શેડો આર્મી તરીકે ઓળખવામાં આવે છે અને તેણે આફ્રિકામાં રશિયાના પ્રભાવને વધારવામાં મદદ કરી છે.


2017થી યેવજેનીના વેગનર જૂથે માલી, સુડાન, મધ્ય આફ્રિકન પ્રજાસત્તાક, લિબિયા અને મોઝામ્બિકમાં લશ્કરી હસ્તક્ષેપ માટે સૈનિકો તૈનાત કર્યા છે. દરમિયાન, યેવજેનીના વેગનર જૂથે સમગ્ર ખંડમાં વ્યાપારી અને રાજકીય હિતોને અનુસર્યા છે, સંસાધનથી સમૃદ્ધ દેશોમાં ખાણો અને જમીન ભાડાપટ્ટો ખરીદ્યા છે. ગયા વર્ષે જાહેર કરાયેલા ગ્લોબલ ઇનિશિયેટિવ અગેઇન્સ્ટ ટ્રાન્સનેશનલ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમના રિપોર્ટ અનુસાર, વેગનર હવે આફ્રિકામાં સૌથી પ્રભાવશાળી રશિયન જૂથ છે.


વફાદાર જ બન્યો દેશદ્રોહી?


યેવજેનીને "મીટગ્રાઇન્ડર" પણ કહેવામાં આવે છે. તેણે આ વર્ષની શરૂઆતમાં કહ્યું હતું કે, તેને 'પુતિનનો કસાઈ' કહેવો જોઈતો હતો. પરંતુ જેમ જેમ વેગનરને તેની સફળતાઓ માટે શ્રેય મળવાનું શરૂ થયું કે યેવજેનીએ રશિયન સૈન્યની ટીકા કરવાનું શરૂ કર્યું અને યુદ્ધના પ્રયત્નોમાં તેમના યોગદાન માટે વધુ માન્યતાની માંગ કરી દીધી. જો કે, પુતિન એક એવા માણસ છે જેમને સફળતા વહેંચવી પસંદ નથી. તેમ છતાં તેમણે અને યેવજેનીએ અત્યાર સુધી એકબીજા સામે સીધા હુમલા કરવાનું ટાળ્યું છે. પુતિને વેગનર જૂથને રશિયન સૈન્યના નિયંત્રણ હેઠળ લાવવાના પગલાને સમર્થન આપ્યું છે.


પ્રિગોઝિન આદેશોનું પાલન કરવાનો ઇનકાર કરી રહ્યો છે. તેણે દેશના ટોચના અધિકારીઓ સામે શાબ્દીક યુદ્ધ ચલાવ્યું અને તેના માણસોને રશિયન અધિકારીનું અપહરણ કરવાનો આદેશ પણ આપ્યો. હવે સવાલ એ છે કે, પુતિનના આ વફાદાર સહયોગી આવું કેમ કરી રહ્યો છે? કેટલાક નિષ્ણાતો માને છે કે, યેવજેની એક સમાંતર તાકાત બનવા માંગે છે જેની મહત્વકાંક્ષા કદાચ પોતાના જૂના મિત્રને સત્તામાંથી ઉખાડી ફેંકવાની છે.