Wagner Group Capital Moscow : એક તરફ રશિયા યુક્રેન સામે ભયંકર યુદ્ધ ખેલી રહ્યું છે ત્યારે જ રશિયામાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. રશિયાના પ્રાઈવેટ આર્મી વેગનર ગ્રુપના ચીફ યેવજેની પ્રિગોઝિન રાષ્ટ્રપતિ પુતિનને સત્તા પરથી હટાવવાના સપના જોઈ રહ્યા છે. પ્રિગોઝિને એક વીડિયો અને ઓડિયો સંદેશમાં દાવો કર્યો હતો કે, તેમને દક્ષિણી શહેર રોસ્ટોવ-ઓન-ડોન પર નિયંત્રણ કરી લીધું છે. આ ઉપરાંત તેણે એવો પણ દાવો કર્યો છે કે,હવે તેની સેના રાજધાની મોસ્કો પર હુમલો કરવા આગળ વધી રહી છે. પરંતુ શું વેગનર જૂથ ખરેખર રાજધાની સુધી પહોંચી શકે છે અથવા પ્રિગોઝિન ફક્ત ક્રેમલિનને બ્લેકમેઇલ કરી રહ્યો છે?
પ્રિગોઝિન દાવો કરે છે કે, તેની પાસે 25,000 સૈનિકો છે, જેમાંથી મોટાભાગના કેટલાક મહિનાઓથી પૂર્વી યુક્રેનમાં ભીષણ લડાઈમાં સામેલ છે. પરંતુ તાજેતરમાં જ પ્રિગોઝિને રોસ્ટોવ અને બેલગોરોડ સહિત રશિયાના સરહદી પ્રદેશમાંથી તેના સૈનિકોને પાછા ખેંચી લીધા છે. જો કે, મોટાભાગના લડવૈયાઓ હજુ પણ રાજધાની મોસ્કોથી દૂર છે. પ્રિગોઝિન અને તેના સૈનિકોએ મોસ્કો પહોંચવા માટે સેંકડો કિલોમીટરની મુસાફરી કરવી પડશે. આ ઉપરાંત સ્પેશિયલ એન્ટી ટેરરિઝમ સ્ક્વોડથી બચીને તેમને આ રસ્તો પાર કરવો પડે છે.
પ્રિગોઝિનની ધરપકડ કરવાનો આદેશ
એક અહેવાલ અનુસાર, વેગનર પર શનિવારે વોરોનેઝ ક્ષેત્રમાં રશિયન વિમાનોએ હુમલો કર્યો હતો. તે મોસ્કોથી અડધે રસ્તે છે. પ્રિગોઝિન અને રશિયન સંરક્ષણ મંત્રાલય બંને સૈનિકોને નિષ્ઠા બદલવા માટે કહેતા રહે છે. પરંતુ કોની ઉપર હાથ રહેશે તે હજુ નક્કી નથી. ક્રેમલિને રશિયાના ખાનગી લશ્કરી જૂથ વેગનર જૂથના વડા યેવજેની પ્રિગોઝિનની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. રશિયન ગુપ્તચરોએ તેના પર સશસ્ત્ર બળવો બોલાવવાનો આરોપ મૂક્યો છે.
રશિયાએ સુરક્ષા વધારી
રશિયન સેનાએ વેગનર કેમ્પ પર મિસાઈલ હુમલો કર્યો હોવાના અહેવાલ છે. તેણે આ માટે ક્રેમલિનને દોષી ઠેરવ્યો અને બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. ત્યાર બાદ શુક્રવારે મોડી રાત્રે, ફેડરલ સિક્યુરિટી સર્વિસ (FSB)એ વેગનર જૂથના સૈનિકોને તેમના પોતાના નેતાની અટકાયત કરવા અપીલ કરી હતી. રશિયન રાજ્ય ટીવીએ પણ સંરક્ષણ મંત્રાલયના નિવેદનની જાણ કરવા માટે શુક્રવારે રાત્રે પ્રોગ્રામિંગમાં વિક્ષેપ પાડ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પ્રિગોઝિનની ટિપ્પણીઓ વાસ્તવિકતાને અનુરૂપ નથી અને તેને ગેરકાયદેસર કામોને રોકવા માટે હાકલ કરી હતી. રાજ્યના મીડિયા અહેવાલો અનુસાર, ઘટનાક્રમના પગલે મોસ્કોની આસપાસ અને દક્ષિણ-પૂર્વ યુક્રેન નજીકના રોસ્ટોવ શહેરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
પુતિનને મળી રહી છે પળે પળની અપડેટ?
અગાઉ શુક્રવારે, પ્રિગોઝિને દાવો કર્યો હતો કે, તેમના દળોએ યુક્રેનથી રશિયામાં સરહદ પાર કરી હતી. બીબીસીએ પણ આ પ્રકારના અહેવાલ આપ્યો હતો પરંતુ કોઈ પુરાવા આપ્યા ન હતા. પ્રિગોઝિને કહ્યું હતું કે, રશિયન સૈનિકોને સજા કરવામાં આવશે. તેમણે કહ્યું કે રશિયન સૈન્ય નેતૃત્વ જે દુષ્ટતા ફેલાવે છે તેને રોકવું જોઈએ. જે કોઈ પણ પ્રતિરોધ કરશે અમે તેને ખતરો માનીશું અને તરત જ તેનો ખાતમો કરીશું. આપણે આ સમસ્યાનો અંત લાવવાની જરૂર છે. આ લશ્કરી બળવો નથી પરંતુ ન્યાયની કૂચ છે. ક્રેમલિન અનુસાર, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પરિસ્થિતિથી વાકેફ છે અને પળેપળની અપડેટ્સ લઈ રહ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુંસાર, ફેબ્રુઆરી 2022માં રશિયાએ યુક્રેન સામે યુદ્ધ શરૂ કર્યું ત્યારથી પ્રિગોઝિન અને રશિયન સંરક્ષણ પ્રધાન સર્ગેઈ શોઇગુ વચ્ચે સત્તાનો સંઘર્ષ ચાલી રહ્યો છે.
યુદ્ધ પર જ સવાલ ખડા કર્યા
બીબીસીના અહેવાલ મુજબ, પ્રિગોઝિને તેની સેનાની સફળતાનો ઉપયોગ તેની પ્રોફાઇલ વધારવા અને શોઇગુ હેઠળના સૈનિકોની ટીકા કરવાની તક તરીકે કર્યો. તેમણે સંરક્ષણ મંત્રાલય પર તેમના ખાનગી સૈનિકોને દારૂગોળો આપવાનો ઇનકાર કરવાનો આરોપ મૂક્યો, તેમને પાછા બોલાવવાની ધમકી પણ આપી. જોકે, પ્રિગોઝિને હંમેશા રાષ્ટ્રપતિ પુતિનની ટીકા કરવાનું ટાળ્યું છે. કેમ્પ વેગનર પરના કથિત હુમલાના કલાકો પહેલાજ તેણે સોશિયલ મીડિયા પર વધુ ઉશ્કેરણીજનક ટિપ્પણીઓ પોસ્ટ કરી હતી, જેમાં સંરક્ષણ મંત્રાલયે ફેબ્રુઆરી 2022ના આક્રમણ પહેલા યુક્રેન દ્વારા ઉભા કરાયેલા ખતરા અંગે પુતિનને છેતરવાનો આરોપ લગાવ્યો હતો. તેણે યુદ્ધ માટેના રશિયન હેતુઓ પર પણ સવાલ ઉઠાવ્યા.