Wagner Rebellion: એક સમયે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સૌથી ખાસ લોકોમાંના એક એવા યેવજેની પ્રિગોઝિને જ તેમની સામે મોરચો ખોલી દીધો છે. વેગનર ગ્રુપના વડાએ પુતિનને સત્તા પરથી ઉથલાવી દેવાની ધમકી આપી છે. જવાબમાં પુતિને વેગનર ગ્રુપને કચડી નાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. પુતિનના આ નિવેદન પર પ્રિગોઝિને કહ્યું હતું કે, રશિયન રાષ્ટ્રપતિએ તેમના ભાષણ દરમિયાન ખોટો વિકલ્પ પસંદ કર્યો અને દેશને ટૂંક સમયમાં જ નવા રાષ્ટ્રપતિ મળશે.
યેવજેની પ્રિગોઝિનની આગેવાની હેઠળના વેગનર જૂથના લડવૈયાઓએ બે રશિયન શહેરો પર નિયંત્રણનો દાવો કર્યો છે. આ સાથે જ વેગનર જૂથે દાવો કર્યો હતો કે, તેમના સૈનિકોએ ત્રણ રશિયન હેલિકોપ્ટરને તોડી પાડ્યા હતા.
પ્રિગોઝિને કર્યો વિશ્વાસઘાત
વેગનર ગ્રૂપના વિદ્રોહ બાદ રાષ્ટ્રના નામે પોતાના સંબોધનમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિને કહ્યું હતું કે, વેગનેરે મુશ્કેલ સમયમાં રશિયા સાથે દગો કર્યો હતો અને સૈન્યને અવગણ્યું હતું. સેના સામે હથિયાર ઉઠાવનાર સૌકોઈ દેશદ્રોહી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, પ્રિગોઝિને રશિયાને "દગો" આપ્યો છે. આ આપણા લોકોની પીઠ પાછળ હુમલો કરવા જેવું છે. અંગત સ્વાર્થને કારણે તેણે પીઠમાં છરો ભોંક્યો છે. તેમણે કહ્યું હતું કે, રશિયા તેના ભવિષ્ય માટે પૂરી તાકાતથી લડી રહ્યું છે. અમારો જવાબ વધુ આકરો હશે.
જે પણ સેના સામે હથિયાર ઉઠાવશે તેને સજા થશેઃ પુતિન
પોતાના સંબોધન દરમિયાન રશિયન રાષ્ટ્રપતિએ નિર્ધાર વ્યક્ત કર્યો હતો કે, જેણે પણ દેશની સેના સામે હથિયાર ઉઠાવ્યા છે તેને સજા મળશે. તેઓ આપણને હાર અને શરણાગતિ તરફ ધકેલી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, હું બંધારણ અને લોકોની રક્ષા માટે બધું જ કરી છુટીશ. આ સાથે તેમણે સેનાના કમાન્ડરોને વિદ્રોહીઓનો ખાતમો કરી નાખવાનો આદેશ આપ્યો હતો.
પુતિને વધુમાં કહ્યું હતું કે, જ્યારે રશિયા તેના ભવિષ્ય માટે સૌથી મુશ્કેલ યુદ્ધ લડી રહ્યું છે, તે દરમિયાન અમારી સાથે દગો થયો. પુતિને વધુમાં કહ્યું હતું કે, પશ્ચિમની આખી સૈન્ય, આર્થિક અને માહિતી મશીનરી અમારી વિરુદ્ધ એકજુથ થઈ ગઈ છે.
યુક્રેનની ભવિષ્યવાણી
વેગનર જૂથના વિદ્રોહની વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીના સલાહકાર મિખાઈલો પોડોલ્યાકે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રશિયને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. પોડોલિયાકે કહ્યું છે કે, આગામી 48 કલાક રશિયાની નવી સ્થિતિને વ્યાખ્યાયિત કરશે. (રશિયામાં) કાં તો સંપૂર્ણ પાયે ગૃહ યુદ્ધ થશે અથવા વાટાઘાટો દ્વારા શાસનમાં ફેરફાર થશે અથવા પુતિન શાસનનું પતન આગામી તબક્કા પહેલા કામચલાઉ રાહત આપશે.