ખશોગીની હત્યા પર સાઉદી વિદેશ મંત્રીએ કહ્યુ- મોટી ભૂલ થઇ છે. દોષિતોને સજા આપવામાં આવશે
abpasmita.in | 22 Oct 2018 09:11 AM (IST)
રિયાધઃ સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી અદેલ-અલ-જુબેરે સ્વીકાર કર્યો હતો કે સાઉદી પત્રકાર જમાલ ખશોગીની હત્યા મોટી ભૂલ છે. એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં અલ-જુબેરે જણાવ્યું કે, જે લોકોએ પણ આવું કર્યું છે. તેમણે પોતાના અધિકાર ક્ષેત્રનો ઉપયોગ કર્યો છે. આ એક મોટી ભૂલ થઇ છે. તેના પર પડદો નાખીને વધુ એક મોટી ભૂલ કરી છે. કોઇ પણ સરકારમાં આ સ્વીકાર્ય નથી. અલ-જુબેરે કહ્યું કે, સાઉદી અરેબિયાની સરકાર પત્રકારની હત્યા મામલે તપાસ અન તેના પાછળનું સાચુ કારણ શોધવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે, અમે તમામ બાબતોને સામે લાવીશું. અમે તમામ તથ્યોને સામે રાખવા માટે પ્રતિબદ્ધ છીએ. આ સાથે જેમણે પણ તેમની હત્યા કરી છે તેમને દંડિત કરવામાં આવશે. મંત્રીએ કહ્યું કે, ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન આ ઓપરેશનથી પુરી રીતે અજાણ છે. એટલું જ નહીં જે લોકો હત્યામાં સામેલ છે તેમનો કોઇ પણ રીતે પ્રિન્સ સલમાન સાથે લેવાદેવા નથી. નોંધનીય છે કે ખશોગી બે ઓક્ટોબરના રોજ તુર્કીમાં દૂતાવાસમાં ગયા ત્યારબાદ જોવા મળ્યા નથી. તુર્કીના અધિકારીઓએ દાવો કર્યો હતો કે 15 સાઉદી એજન્ટોએ ખશોગીની દૂતાવાસમાં હત્યા કરી દીધી છે અને તેમના શરીરના ટૂકડાઓ કરી નાખ્યા છે. જમાલ ખશોગી સાઉદી અરબના રહેવાસી હતા અને વોશિંગ્ટન પોસ્ટમાં લેખ લખતા હતા. ખશોગીને છેલ્લે તુર્કીના ઇસ્તંબુલ સ્થિત સાઉદી અરેબિયાના દૂતાવાસમાં પ્રવેશ કરતા 2 ઓક્ટોબરના રોજ જોવા મળ્યા હતા. શરૂઆતમાં તુર્કીના અધિકારીઓએ દાવો કરતા રહ્યા હતા કે ખશોગીની હત્યા કરવામાં આવી છે. આ મામલે અમેરિકાએ કડક પ્રતિક્રિયા આપી હતી. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકાર ખશોગીની રહસ્યમય પરિસ્થિતિઓમાં ગુમ થવાના સંબંધમાં રિપોર્ટ માંગ્યો હતો.