SCO Summit 2024:  ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર હાલમાં SCO સમિટ માટે પાકિસ્તાનમાં છે. એસસીઓ સમિટમાં પાકિસ્તાનમાં વડાપ્રધાન શાહબાઝ શરીફની સામે એસ.જયશંકરે આતંકવાદ પર સંભળાવ્યું હતું. ઈસ્લામાબાદમાં એસસીઓની બેઠક દરમિયાન મજબૂત સંદેશ આપતાં વિદેશ મંત્રી એસ. જયશંકરે બુધવારે સીમા પારના આતંકવાદના મુદ્દે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે પાકિસ્તાને આત્મનિરીક્ષણ કરવું જોઈએ કે બંને દેશો વચ્ચેના સંબંધો કેમ બગડ્યા છે. પોતાના સંબોધનમાં તેમણે ચીનને પણ લપેટી દીધું હતું. તેમણે ઇશારા ઇશારામાં CPEC પ્રોજેક્ટનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે SCOનો ઉદ્દેશ્ય એકપક્ષીય રીતે પ્રાપ્ત થશે નહીં.










એસસીઓ ફોરમમાંથી બોલતા જયશંકરે કહ્યું હતું કે, 'જો કોઈ વિશ્વાસ નથી કે સહકારનો અભાવ છે, જો મિત્રતા ઓછી થઈ છે અને પાડોશી જેવું વર્તન નથી થઇ રહ્યું તો તેના કારણો શોધવા જોઈએ અને તેને દૂર કરવા જોઈએ.' જોકે તેમણે પાકિસ્તાનનું નામ લીધું નહોતું. પરંતુ તેમનો ઇશારો સ્પષ્ટ હતો. જયશંકરે વધુમાં કહ્યું કે જો સરહદ પારથી આતંકવાદ, ઉગ્રવાદ અને અલગતાવાદને પ્રોત્સાહન આપવામાં આવશે તો વેપાર, ઉર્જાનો પ્રવાહ અને લોકો વચ્ચેનો સંપર્ક કેવી રીતે વધશે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે કટ્ટરવાદથી કોઈ દેશ આગળ વધતો નથી. વિકાસ અને પ્રગતિ માટે શાંતિ જરૂરી છે.






ભારત કહેતું રહ્યું છે કે તે પાકિસ્તાન સાથે સામાન્ય પડોશી સંબંધો ઈચ્છે છે. પરંતુ આ માટે પાકિસ્તાન આતંકવાદ અને હિંસાથી મુક્ત વાતાવરણ બનાવે તે જરૂરી છે. જયશંકરનું આ નિવેદન પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથેની મુલાકાતના એક દિવસ બાદ આપ્યું હતું. તેઓ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સંમેલનમાં ભાગ લેવા પાકિસ્તાન પહોંચ્યા છે. પાકિસ્તાનમાં SCO ફોરમમાંથી વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનને સીધો સંદેશ આપ્યો કે સરહદ પર આતંકવાદ અને અલગતાવાદના કારણે વેપાર અને સંબંધોને પ્રોત્સાહન નહીં આપે.






વિદેશ મંત્રી એસ.જયશંકરે પણ પોતાના સંબોધનમાં ચીનનો સમાવેશ કર્યો હતો. CPEC પ્રોજેક્ટનો ઉલ્લેખ કર્યા વિના જયશંકરે કહ્યું કે જો આપણે પસંદગીપૂર્વક વિશ્વની પ્રથાઓનું પાલન કરીશું, ખાસ કરીને વેપાર અને વ્યવસાયિક માર્ગો પર તો સભ્ય દેશો પ્રગતિ કરી શકશે નહીં. આ માટે તમામ દેશો પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વને માન્યતા આપે તે જરૂરી છે.