નવી દિલ્લી: સર્જિકલ સ્ટ્રાઈક કર્યા બાદ વિશ્વમાં અલગ પડવાની બીકે પાકિસ્તાન હવે નવા નવા ગતકડા અપનાવી રહ્યું છે. તેને પોતાના બે વિશેષ રાજદૂતોને અમેરિકા મોકલ્યા છે જે કાશ્મીર મુદ્દા પર હસ્તક્ષેપ કરવા માટે અમેરિકાને મનાવવાનો પ્રયત્ન કરશે. આટલું જ નહીં, પાકના આ બે રાજદૂતો બલૂચિસ્તાનના મુદ્દે ભારતને ધમકી પણ આપી રહ્યા છે.


તેમનું કહેવું છે કે ભારત બલૂચિસ્તાનનો મુદ્દો ઉઠાવવાનું બંધ નહી કરે તો, પાકિસ્તાન ખાલિસ્તાન, નાગાલેંડ, ત્રિપુરા, અસમ, સિક્કિમ અને માઓવાદ વિદ્રોહનો મુદ્દો ઉઠાવી શકે છે. બન્ને રાજદૂતોને વૉશિંગ્ટન ડીસીમાં આતંકવાદને સમર્થન આપવા, પરમાણુ હુમલાની ધમકી અને પાકિસ્તાનને એક રાષ્ટ્ર રાજ્યના રૂપમાં અસફળ થવા પર કડક સવાલો પુછવામાં આવ્યા હતા.

એક અંગ્રેજી અખબારના મતે સ્ટીમ્સન સેંટરમાં ઉપસ્થિત ભીડને સંબોધન કરતા કાશ્મીર મુદ્દા પર વડાપ્રધાન નવાઝ શરીફના વિશેષ દૂત મુશાહિદ હસૈન સૈયદે કહ્યું, ‘જ્યારે તમે શાંતિની વાત કરો છો, ત્યારે કાબુલમાં શાંતિનો રસ્તો કાશ્મીર સાથે જોડે છે. તમે શાંતિને વહેંચી ના શકો, એક ભાગને અલગ ન કરી શકો. તમે કાબુલમાં શાંતિ ઈચ્છો છો, પરંતુ કાશ્મીરને સળગતું ન જોઈ શકો.. આવું ન બની શકે.