નવી દિલ્હી: પાકિસ્તાનના પેશાવરમાં એક શીખ યુવકની હત્યા કરી દેવામાં આવી છે. મૃતકનું નામ પરવિંદર સિંહ છે તે મલેશિયા રહેતો હતો અને લગ્ન માટે એક મહિનો પેશાવર આવ્યો હતો. શનિવારે તેની લાશ પેશાવરના ચમકાની વિસ્તારમાં મળી હતી. આ યુવક ખૈબર પખ્તૂનખ્ખ્વાના શાંગલા જિલ્લાનો રહેવાસી હતો અને લગ્નની ખરીદી કરવા માટે પેશાવર આવ્યો હતો.


વિદેશ મંત્રાલયે કહ્યું પાકિસ્તાનને અન્ય દેશોને ઉપદેશ આપવાની જગ્યાએ પોતાના દેશમાં અલ્પસંખ્યકોની સુરક્ષા કરવાનું કામ કરવું જોઈએ.

પોલીસને હત્યાની પાછળ અંગત અદાવત હોવાની શંકા છે. લાશને પોસ્ટમાર્ટમ માટે હોસ્પિટલ મોકલી દેવાઈ છે. ઘટના બાદ મૃતકના ભાઈ હરમીત સિંહે કહ્યું કે, પાકિસ્તાનમાં હિન્દુ અને શીખોના હાલ ખુબ ખરાબ છે અમે આરોપીની ધરપકડ સુધી સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવતા રહીશું.

નોંધનીય છે કે, પાકિસ્તાનના સેકડો કટ્ટરુપંથી મુસ્લિમોએ શુક્રવાર સાંજે શીખોના ધર્મસ્થળ નનકાના સાહિબ ગુરુદ્વારા પર પથ્થરમારો કર્યો હતો. દેખાવકારોએ શીખોના શહેરથી ભાગવા અને નનકાના સાહિબનું નામ બદલાની ધમકી આપી હતી. ઘટના અંગે ભારતીય વિદેશ મંત્રાલયે નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારબાદ પોલીસે દેખાવકારો સાથે સમજૂતી કરીને ગુરુદ્વારાની બહારથી ભીડ હટાવી અને 35 શીખ શ્રદ્ધાળુઓને સલામત બહાર કાઢ્યા હતા.