Sri Lanka Crisis: શ્રીલંકામાં હાલ આર્થિક કટોકટી છે. શ્રીલંકાની જનતા હેરાન-પરેશાન થઈ રહી છે અને હિંસક વિરોધ પ્રદર્શન કરી રહી છે. ગઈકાલે શ્રીલંકાના પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષેએ પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું આપી દિધું હતું. ત્યાર બાદ હવે આજે સંરક્ષણ મંત્રાલયે લશ્કરને આદેશ આપ્યો છે કે, કોઈ પણ વ્યક્તિ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડે કે જાહેર સંપત્તિની લૂંટ કરે તો તે વ્યક્તિને ગોળી મારવી.
ગોળી મારવાનો આદેશઃ
શ્રીલંકાના સંરક્ષણ મંત્રાલયે મંગળવારે સશસ્ત્ર દળોને જાહેર સંપત્તિની લૂંટ ચલાવનાર અથવા સંપત્તિને નુકસાન પહોંચાડનારા કોઈપણ વ્યક્તિ ઉપર ગોળી મારવાની સત્તા આપી છે. આ સાથે નાગરિકોને વોરંટ વિના અટકાયતમાં રાખવા માટે કટોકટીની સત્તાઓ પણ શ્રીલંકન ઓથોરિટીએ લશ્કરી અને પોલીસ કર્મચારીઓને આપી છે. પીટીઆઈના અહેવાલ મુજબ શ્રીલંકામાં જાહેર થયેલા આ આદેશ હેઠળ લશ્કરના જવાનો નાગરિકોને પોલીસને સોંપતાં પહેલાં 24 કલાક સુધી અટકાયતમાં રાખી શકે છે.
વિરોધ પ્રદર્શનમાં 8 લોકોનાં મોતઃ
ઉલ્લેખનિય છે કે, સરકાર દ્વારા આર્થિક કટોકટી લાગુ થયા બાદ ખુબ જ વિરોધ થઈ રહ્યો છે અને આ વિરોધ પ્રદર્શનોમાં 8 લોકોનાં થયા છે અને 200 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ મોતની ઘટનાના એક દિવસ પછી હવે જાહેર સંપત્તિની લૂંટ ચલાવનાર અથવા સંપત્તિને નુકસાન પહોંચાડનારા કોઈપણ વ્યક્તિ ઉપર ગોળી મારવા આ આદેશ આવ્યો છે. ગઈકાલે સરકાર વિરોધી પ્રદર્શનકારીઓએ મોરાતુવાના મેયર સમન લાલ ફર્નાન્ડો અને સાંસદો સનત નિશાંત, રમેશ પાથિરાના, મહિપાલ હેરાથ, થિસા કુટ્ટિયારાચી અને નિમલ લાંજાના ઘરોને આજે આગ ચાંપી દીધી હતી. તેમના પદ પરથી રાજીનામું આપતા પહેલા, મહિન્દા રાજપક્ષેએ કહ્યું, હતું કે "હું અમારા સામાન્ય લોકોને સંયમ રાખવા વિનંતી કરું છું અને યાદ રાખો કે હિંસા માત્ર હિંસા પેદા કરે છે. આપણે જે આર્થિક કટોકટીમાં છીએ તેને આર્થિક ઉકેલની જરૂર છે જેને ઉકેલવા માટે આ પ્રશાસન પ્રતિબદ્ધ છે." ખાદ્ય અને ઇંધણની અછત, આસમાનને આંબી રહેલા ભાવો અને પાવર આઉટેજ મોટી સંખ્યામાં શ્રીલંકાના લોકોને નુકસાન પહોંચાડી રહ્યા છે, જેના કારણે સરકાર દ્વારા પરિસ્થિતિને નિયંત્રિત કરવા સામે ભારે વિરોધ થયો છે.