Sri Lanka Crisis: શ્રીલંકામાં સ્થિતિ બેકાબૂ બની રહી છે. હવે વિરોધીઓએ શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે (Ranil Wickremesinghe)ના ખાનગી નિવાસસ્થાનમાં ઘૂસીને આગ લગાવી દીધી છે. શ્રીલંકાના પીએમ રાનિલ વિક્રમસિંઘે થોડા સમય પહેલા રાજીનામું આપી દીધું છે, પરંતુ તેમ છતાં પણ વિરોધીઓનો ગુસ્સો શાંત થઈ રહ્યો નથી. પ્રદર્શનકારીઓ વડાપ્રધાનના વાહનોમાં તોડફોડ કરતા પણ જોવા મળ્યા હતા.


રાષ્ટ્રપતિ ભવન પર દેખાવકારોનો કબજો 
આના કલાકો પહેલા, વિરોધીઓએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના રાજીનામાની માંગ સાથે રાષ્ટ્રપતિ નિવાસ તરફ કૂચ કરી હતી. દેખાવકારોએ પોલીસ બેરિકેડિંગ તોડીને દેશના રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવ્યો હતો. શ્રીલંકાના વડા પ્રધાન કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "વિરોધીઓએ વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘેના ખાનગી નિવાસસ્થાનમાં ઘૂસીને આગ લગાવી દીધી હતી."


રાનિલ વિક્રમસિંઘેએ પીએમ પદ પરથી રાજીનામું આપી દીધું 
રાનિલ વિક્રમસિંઘેને મે મહિનામાં વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સરકારની સાતત્યતા અને તમામ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેમણે થોડા સમય પહેલા જ તેમના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમણે ટ્વીટ કર્યું, "તમામ નાગરિકોની સલામતી સહિત સરકારની સાતત્યતા સુનિશ્ચિત કરવા માટે, હું આજે પક્ષના નેતાઓની ભલામણને સ્વીકારું છું. આને સરળ બનાવવા માટે, સર્વપક્ષીય સરકારનો માર્ગ બનાવવા માટે, હું વડાપ્રધાન પદેથી રાજીનામું આપું છું."


શ્રીલંકામાં ઘેરાયું  આર્થિક સંકટ
તમને જણાવી દઈએ કે શ્રીલંકા વિદેશી હૂંડિયામણની ગંભીર અછતથી પીડાઈ રહ્યું છે, જ્યાં ઈંધણ, ખાદ્યપદાર્થો અને દવાઓની આવશ્યક આયાત મર્યાદિત છે. આનાથી દેશ સાત દાયકામાં તેની સૌથી ખરાબ નાણાકીય ઉથલપાથલમાં ડૂબી ગયો છે. ઘણા લોકો દેશના પતન માટે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને જવાબદાર માને છે. માર્ચ મહિનાથી ભારે વિરોધ પ્રદર્શન દ્વારા તેમના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે.