Sri Lanka :  શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે તમામ કેબિનેટ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે.  કેબિનેટ મંત્રીઓએ રાજીનામું આપ્યાના એક દિવસ બાદ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ સોમવારે વિપક્ષી પક્ષોને મંત્રીપદ સ્વીકારવા અને અશાંતિમાંથી પસાર થઈ રહેલા દેશની સ્થિતિનો ઉકેલ શોધવામાં મદદ કરવા આમંત્રણ આપ્યું.


સમાચાર એજન્સી ANIએ એક અહેવાલમાં જણાવ્યું"શ્રીલંકાના રાષ્ટ્રપતિએ સંસદમાં તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મંત્રી પદ સંભાળવા અને રાષ્ટ્રીય કટોકટીનો ઉકેલ શોધવા માટે સાથે મળીને કામ કરવા આમંત્રણ આપ્યું છે,"


રાષ્ટ્રપતિ રાજપક્ષેએ તેમના નિવેદનમાં કહ્યું હતું કે દેશમાં આર્થિક સંકટ વિવિધ વૈશ્વિક પરિબળોને કારણે છે અને આ મુદ્દાને લોકતાંત્રિક રીતે જોવો જોઈએ, જે દેશના હિતમાં છે.


રાષ્ટ્રપતિ દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું, "વર્તમાન કટોકટી અનેક આર્થિક અને વૈશ્વિક પરિબળોને કારણે છે. એશિયામાં એક અગ્રણી લોકશાહી તરીકે તેને લોકશાહીના માળખામાં જ સંબોધિત કરવાની જરૂર છે. નાગરિકો અને ભાવિ પેઢીઓના લાભ માટે આપણે સાથે મળીને રાષ્ટ્રીય હિતમાં કામ કરવું જોઈએ." 






 


અગાઉ રવિવારે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે અને તેમના મોટા ભાઈ વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે સિવાયના તમામ 26 કેબિનેટ પ્રધાનોએ તાત્કાલિક અસરથી પદ પરથી રાજીનામું આપ્યું હતું.સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, શિક્ષણ પ્રધાન અને ગૃહના નેતા, દિનેશ ગુણવર્દનેએ માહિતી આપી કે કેબિનેટ પ્રધાનોએ તેમના રાજીનામા વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેને સોંપી દીધા છે.સમાચાર એજન્સી એએફપીના અહેવાલમાં મુજબ શક્તિશાળી રાજપક્ષે પરિવારના અન્ય ત્રણ સભ્યો - નાણા પ્રધાન બાસિલ, કૃષિ પ્રધાન ચમલ અને રમતગમત પ્રધાન નમલ બધાએ વધતા દબાણ વચ્ચે રાજીનામું આપ્યું.