Pakistan : પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે ઈમરાન ખાને સોમવારે પાકિસ્તાનના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ગુલઝાર અહેમદને ચૂંટણીઓ ન થાય ત્યાં સુધી દેશના કાર્યકારી  વડાપ્રધાન તરીકે નોમિનેટ કર્યા છે પાકિસ્તાની સમાચાર એજન્સી ડૉનના અહેવાલ મુજબ આ સમાચાર મળી રહ્યાં છે. પાકિસ્તાની સમાચાર એજન્સી ડૉન અનુસાર CJP ગુલઝાર અહેમદ દેશના 27મા મુખ્ય ન્યાયાધીશ હતા જેમની નિમણૂક ડિસેમ્બર 2019માં કરવામાં આવી હતી. અહેમદ ફેબ્રુઆરી 2022માં નિવૃત્ત થયા હતા.


પાકિસ્તાનના પૂર્વ મંત્રી અને પાકિસ્તાન  તહરીક-એ-ઈન્સાફ (PTI)ના નેતા ફવાદ ચૌધરીએ આ જાહેરાત કરી હતી. એક ટ્વીટમાં ફવાદ ચૌધરીએ કહ્યું હતું કે પીટીઆઈની કોર કમિટી સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચૌધરીએ ટ્વીટ કર્યું કે, "રાષ્ટ્રપતિના પત્રના જવાબમાં પીટીઆઈ કોર કમિટીના  પરામર્શ અને મંજૂરી પછી પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને પાકિસ્તાનના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ગુલઝાર અહેમદને કાર્યકારી વડાપ્રધાન પદ માટે નોમિનેટ કર્યા છે."


ડૉન મુજબ આ નામાંકન રાષ્ટ્રપતિ ડૉ. આરિફ અલ્વી દ્વારા ઇમરાન ખાન અને વિપક્ષના નેતા શહેબાઝ શરીફને  બંધારણની કલમ 224-A(1) હેઠળ કાર્યકારી  વડાપ્રધાન તરીકે નિમણૂક માટે યોગ્ય વ્યક્તિઓના નામની દરખાસ્ત કરવા માટે પત્ર લખ્યા પછી આવ્યું છે. 


પાકિસ્તાન નેશનલ એસેમ્બલીના  ડેપ્યુટી સ્પીકર દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવને નામંજૂર કર્યા બાદ રાષ્ટ્રપતિ દ્વારા પાકિસ્તાન નેશનલ એસેમ્બલીનું વિસર્જન કરવામાં આવ્યું હતું, ત્યરાબાદ કાર્યકારી વડાપ્રધાનનું નોમિનેટ કરવામાં આવ્યું છે.


ઈમરાન ખાનને રવિવારે દેશના પીએમ તરીકે બિન-સૂચિત કરવામાં આવ્યા હતા પરંતુ જ્યાં સુધી કાર્યકારી  પીએમની નિમણૂક કરવામાં ન આવે ત્યાં સુધી તેઓ ચાલુ રહેવાના હતા.


પાકિસ્તાન છેલ્લા કેટલાક સમયથી રાજકીય ઉથલપાથલમાંથી પસાર થઈ રહ્યું છે કારણ કે ઈમરાન ખાને આરોપ લગાવ્યો હતો કે અમેરિકા વિરોધનો ઉપયોગ કરીને તેમને હાંકી કાઢવાનો પ્રયાસ કરી રહ્યું છે અને તેમના જીવને જોખમ છે.