Operation Kaveri: ગૃહયુદ્ધનો સામનો કરી રહેલા આફ્રિકન દેશ સુડાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે સરકારે ઓપરેશન કાવેરી હાથ ધર્યું છે. યુદ્ધગ્રસ્ત સુડાનમાંથી ભારતીયોને હેમખેમ બચાવીને સ્વદેશ પરત લાવવા મોદી સરકારે કાર્યવાહી ઝડપી બનાવી દીધી છે. જેને અંતર્ગત આજે લગભગ 500 ભારતીયો સુડાનના એક બંદરે આવી પહોંચ્યા હતાં. વિદેશ મંત્રી એસ. જયશંકરે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. 


તેમણે લખ્યું કે સુડાનમાં ફસાયેલા આપણા નાગરિકોને પરત લાવવા માટે ઓપરેશન કાવેરી ચાલી રહ્યું છે. લગભગ 500 ભારતીય સુડાન બંદરે પહોંચી ગયા છે જ્યારે અન્ય લોકો હજી રસ્તામાં છે.


વિદેશ મંત્રી એસ જયશંકરે વધુમાં લખ્યું હતું કે, અમે સુડાનમાં અમારા નાગરિકોની મદદ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમારા વિમાન અને જહાજો તેમને પાછા લાવવા માટે તૈયાર છે. બીજી તરફ, ફ્રાન્સે હિંસાગ્રસ્ત સુડાનમાંથી 5 ભારતીય નાગરિકો સહિત 28 દેશોના નાગરિકોને બહાર કાઢવાની કામગીરી હેઠળ બહાર કાઢ્યા છે.


ફ્રાન્સે પણ લંબાવ્યો મદદનો હાથ


ફ્રાન્સના રાજદ્વારી સૂત્રોએ જણાવ્યું હતું કે, ફ્રેન્ચ એરફોર્સે અત્યાર સુધીમાં પાંચ ભારતીય નાગરિકોને બહાર કાઢ્યા છે. આ ભારતીયોને 28 થી વધુ અન્ય દેશોના લોકો સાથે જિબુટીમાં ફ્રેન્ચ સૈન્ય મથક પર લાવવામાં આવ્યા હતા. અગાઉ રવિવારે સાઉદી અરેબિયાએ કહ્યું હતું કે, તેણે સુડાનમાંથી નજીકના સંબંધો અને મિત્ર રાષ્ટ્રો ધરાવતા દેશોના 66 નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે, જેમાં કેટલાક ભારતીયો પણ સામેલ છે.


આ પહેલા રવિવારે ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, હિંસાગ્રસ્ત સુડાનમાં ફસાયેલા ભારતીયોને આફ્રિકન દેશમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે તેની આકસ્મિક યોજનાના ભાગરૂપે ભારતે બે C-130J લશ્કરી પરિવહન વિમાન જેદ્દાહમાં ઉડવા માટે તૈયાર રાખ્યા છે. ઉપરાંત, ભારતીય નૌકાદળનું એક જહાજ પ્રદેશના એક મહત્વપૂર્ણ બંદર પર તૈનાત કરવામાં આવ્યું છે.




સુડાનમાં અત્યાર સુધીમાં 460થી વધુ લોકોના મોત


સરકારે શુક્રવારે કહ્યું હતું કે,તે હાલમાં સુડાનમાં વિવિધ સ્થળોએ હાજર 3,000થી વધુ ભારતીય નાગરિકોની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. શુક્રવારે એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુડાનમાંથી ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા માટે આકસ્મિક યોજનાઓ તૈયાર કરવા સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે, સુડાનમાં છેલ્લા 10 દિવસથી ત્યાંની સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચેની ભીષણ લડાઈમાં 460થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.