Sudan Port Airport: પોર્ટ સુદાન (સુદાન) એરપોર્ટ પર રવિવારે 23 જુલાઈએ એક નાગરિક વિમાન ક્રેશ થતાં ચાર સૈન્ય કર્મચારીઓ સહિત 9નાં મોત થયાં હતાં. સુદાનની સેનાએ એક નિવેદન જારી કરીને અકસ્માતની જાણકારી આપી હતી. સેનાએ જણાવ્યું કે અકસ્માતમાં એક બાળકીનો જીવ બચી ગયો છે. સુદાનની સેનાએ માહિતી આપી હતી કે એન્ટોનોવ પ્લેન ઉડાન ભરી ત્યાં જ તેમાં ખામી સર્જાઇ હતી. અને ત્યારબાદ પ્લેન દુર્ઘટનાનો શિકાર બન્યું હતું.
આ વર્ષે 15 એપ્રિલથી સુદાનમાં સશસ્ત્ર દળો અને અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) વચ્ચે લડાઈ ચાલી રહી છે. ત્યારથી પોર્ટ સુદાન વિદેશીઓ, રાજદ્વારી મિશનના સભ્યો અને ઉત્તર આફ્રિકન દેશમાંથી ભાગી રહેલા કેટલાક સુદાનના નાગરિકો માટે એક્ઝિટ પોઇન્ટ બની ગયું છે.
હિંસામાં અત્યાર સુધીમાં 1136 લોકોના મોત થયા છે
સુદાનમાં ગૃહયુદ્ધના રવિવારના રોજ 100 દિવસ થયા છે. આ અંગે સુદાનના સ્વાસ્થ્ય મંત્રાલયે માહિતી આપી હતી કે હિંસામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 1136 લોકોના મોત થયા છે. જો કે, અન્ય મોનિટર માને છે કે મૃત્યુઆંક ઘણો વધારે હોઈ શકે છે કારણ કે ઘણા મૃત્યુ નોંધાયા નથી. એક અંદાજ મુજબ 30 લાખથી વધુ લોકો સુદાન છોડીને ભાગી ગયા છે. તેમાંથી 7 લોકો એવા છે જેઓ ઇજિપ્ત, ચાડ અને દક્ષિણ સુદાન જેવા પાડોશી દેશોમાં ભાગી ગયા છે.
રોકેટ હુમલામાં 16ના મોત
ગયા શનિવારે (22 જુલાઈ) રાત્રે સુદાનમાં થયેલા રોકેટ હુમલામાં 16 લોકો માર્યા ગયા હતા. વિદેશી ન્યૂઝ ચેનલ અલ જઝીરાના રિપોર્ટ અનુસાર સેના અને અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સ (RSF)ની લડાઈ દરમિયાન બંને તરફથી રોકેટ છોડવામાં આવ્યા હતા. આ હુમલામાં માર્યા ગયેલા તમામ લોકો સામાન્ય નાગરિક હતા.