પાકિસ્તાનમાં ઘર આંગણે રાજકીય અને આર્થિક અરાજકતા તો છે પણ હવે પાકિસ્તાનીઓના નામની અવળચંડાઈ હવે બ્રિટનમાં પણ સામે આવી છે. બ્રિટનના હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને યુકેમાં નાની છોકરીઓનું શોષણ કરતી ગેંગના અસંખ્ય અહેવાલોને પગલે યુકેમાં બાળ જાતીય શોષણને સમાપ્ત કરવાની નવી યોજનાઓનું અનાવરણ કર્યું છે. નવા કાયદા અંગે તેમણે આવા ગુનાઓમાં સામેલ બ્રિટિશ પાકિસ્તાની પુરુષોની ગેંગ વિશે મૌન રાખવાની સંસ્કૃતિ વિશે પણ વાત કરી હતી. આ દરમિયાન ભારતીય મૂળના મંત્રીએ બ્રિટિશ પાકિસ્તાની ગુનેગારોનો સીધો ઉલ્લેખ કર્યા વગર કોઈ પણ જાતના કવર-અપ કર્યા વગર કહ્યું હતું કે, મોટાભાગના બ્રિટિશ પાકિસ્તાની પુરુષો આવા ગુનાઓમાં સામેલ છે. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, બ્રિટિશ પાકિસ્તાનીઓની એક ગેંગ છે જે બ્રિટનની છોકરીઓને  ડ્રગ્સ આપે છે અને રેપ કરે છે.



તેમણે કહ્યું હતું કે, રાજકીય રીતે વગદાર અધિકારીઓને કામ કરતા અટકાવે છે. સરકારનું કહેવું છે કે, ફરજિયાત રિપોર્ટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. બાળ શોષણ પર મૌન રાખનારાઓની જવાબદારી સુનિશ્ચિત કરવામાં આવશે. હોમ ઑફિસનું માનવું છે કે, યુવાન છોકરીઓની સંભાળ રાખતા વ્યાવસાયિકો જાતિવાદી અને ધર્માંધ તરીકે તેમજ રાજકીય શુદ્ધતાના લેબલના ડરથી દુરુપયોગ તરફ આંખ આડા કાન કરે છે. આ ડરના પરિણામે હજારો બાળકોનું બાળપણ બરબાદ થઈ ગયું છે અને ગુનેગારો મુક્તપણે ફરતા હોવાનું તેમણે જણાવ્યું હતું.

ગુનાઓમાં સામેલ પાકિસ્તાનીઓ

સુએલા બ્રેવરમેન એ વ્યવસાયો વિશે વાત કરી રહ્યાં છે, જેમાં શિક્ષકો, પોલીસ અને રાજ્ય એજન્સીઓના લોકોનો સમાવેશ થાય છે. જો કે, નવો નિયમ દાખલ કરવાનું પગલું ગયા વર્ષે બાળ જાતીય શોષણની સ્વતંત્ર તપાસની ભલામણ બાદ આવ્યું છે. બીબીસી સાથે વાત કરતાં સુએલાએ કહ્યું હતું, આ ગુનેગારોમાં બ્રિટિશ પાકિસ્તાની પુરુષોનું એક જૂથ છે જે બ્રિટિશ મૂલ્યો સાથે સંપૂર્ણપણે અસંગત સાંસ્કૃતિક વલણ ધરાવે છે.

મૌન ચાલશે નહીં

તેમની પ્રવૃત્તિઓ એક ખુલ્લું રહસ્ય છે, તેમ છતાં તેઓને તેમના સમુદાય અને સમાજ બંનેમાં પડકારવામાં આવ્યો નથી તેમ સુએલાએ કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે, ઇરાદાપૂર્વક આંખ આડા કાન, કાર્ય કરવામાં નિષ્ફળતા અને મૌન આ દુરુપયોગને સક્ષમ બનાવે છે. આ લોકો છોકરીઓને ડ્રગ્સ આપીને તેમનું શોષણ કરે છે. સુએલા અગાઉ પણ પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહ્યાં છે. તે લિઝ ટ્રસ કેબિનેટમાં મંત્રી પણ હતા, પરંતુ ઈમેલનો ખોટો ઉપયોગ કરવાને કારણે તેણે રાજીનામું આપવું પડ્યું હતું.