Terror Attack in Australia:ભારત, ઇટાલી, યુનાઇટેડ સ્ટેટ્સ અને ફ્રાન્સ સહિત વિશ્વભરના ઘણા દેશોએ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ પર થયેલા આતંકવાદી હુમલાની આકરા કડક શબ્દોમાં નિંદા કરી છે. હવે આ હુમલાનું પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું છે. સિડનીના એક વરિષ્ઠ કાયદા અમલીકરણ અધિકારીએ જણાવ્યું હતું કે, બોંડી બીચ ગોળીબારના કથિત ગુનેગારોમાંના એકની ઓળખ નવીદ અકરમ તરીકે થઈ છે, જે સિડનીના બોનીરિગનો રહેવાસી છે અને મૂળ પાકિસ્તાનના લોહારનો રહેવાસી છે.
શૂટર નવીદ અકરમનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ઘણી અટકળો સામે આવી છે. ઓનલાઇન એક લાઇસન્સ ફોટો સામે આવ્યો છે જેમાં નવીદ પાકિસ્તાન ક્રિકેટ ટીમની જર્સી પહેરેલો જોવા મળે છે. નવીદ અકરમ અગાઉ ઇસ્લામાબાદની એક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો બાદ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં અલ-મુરાદ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કર્યો.
ગોળીબાર કરનાર નવીદ અકરમનો એક ફોટો વાયરલ
જોકે, સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળોનો જવાબ આપતા, ન્યૂ સાઉથ વેલ્સ (NSW) ના પોલીસ કમિશનર માલ લેન્યોને એક પ્રેસ કોન્ફરન્સ યોજી. તેમણે કહ્યું, "આ બદલો લેવાનો સમય નથી; પોલીસને તેમનું કામ કરવા દેવાનો સમય છે." તેમણે એમ પણ કહ્યું કે, પોલીસ પાસે એક શંકાસ્પદ વ્યક્તિ વિશે ખૂબ ઓછી માહિતી છે, તેથી તેઓ હાલમાં તેનો પીછો કરી રહ્યા નથી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, હુમલામાં સામેલ બે ગોળીબાર કરનારાઓમાંથી એકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે બીજો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે, ત્રીજો હુમલો કરનાર કે અન્ય કોઈ સાથી સામેલ હતો કે નહીં.
આતંકવાદી હુમલામાં 12 લોકોના મોત, 11 ઘાયલ
સ્થાનિક સમય મુજબ સાંજે 6:૩૦ વાગ્યે, બે શૂટરે સિડનીના બોન્ડી બીચ પર યહૂદી તહેવાર હનુક્કાહની ઉજવણી માટે ભેગા થયેલા હજારો લોકો પર ગોળીબાર કર્યો. આ હુમલામાં બાર લોકો માર્યા ગયા અને 11 ઘાયલ થયા. ઓસ્ટ્રેલિયન અધિકારીઓએ આ ઘટનાને આતંકવાદી હુમલો જાહેર કર્યો. આ ઘટના બાદ, ભારત, યુનાઇટેડ સ્ટેટ્સ, બ્રિટન અને ઇટાલી સહિત વિશ્વભરના અનેક દેશોએ આ ઘટનાની સખત નિંદા કરી અને ઓસ્ટ્રેલિયાના લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
યહૂદીઓ પરના હુમલાઓથી ઇઝરાયલ રોષે ભરાયું
રવિવારે (14 ડિસેમ્બર, 2025) સિડનીમાં ફાયરિંગ પહેલાના સમયગાળામાં ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઓસ્ટ્રેલિયન સરકાર પર યહૂદી વિરોધી ભાવનાને વેગ આપવાનો આરોપ લગાવ્યો હતો. ઇઝરાયલી વડા પ્રધાને કહ્યું, "ત્રણ મહિના પહેલા, મેં ઓસ્ટ્રેલિયન વડા પ્રધાનને પત્ર લખીને કહ્યું હતું કે તમારી નીતિઓ યહૂદી વિરોધી ભાવનાની આગને વેગ આપી રહી છે. યહૂદી વિરોધી ભાવના એક કેન્સર છે જે ત્યારે ફેલાય છે જ્યારે નેતાઓ મૌન રહે છે અને કોઈ પગલાં લેતા નથી."
ઇઝરાયલી રાષ્ટ્રપતિએ ઉમેર્યું, "અમે વારંવાર ઓસ્ટ્રેલિયન સરકારને કાર્યવાહી કરવા અને ઓસ્ટ્રેલિયન સમાજમાં ફેલાતા યહૂદી વિરોધી ભાવ સામે લડવા માટે અપીલ કરી છે."
પીએમ અલ્બેનીઝે તેને આતંકવાદી હુમલો ગણાવ્યો
ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝે આ ઘટના અંગે એક નિવેદન જાહેર કર્યું છે. સિડનીના બોન્ડી બીચ પર યહૂદી તહેવાર હનુક્કાહ માટે ભેગા થયેલા હજારો લોકો પર થયેલા આડેધડ ગોળીબારને આતંકવાદી હુમલો ગણાવ્યો. તેમણે આ હુમલાની સખત નિંદા કરી અને અસરગ્રસ્ત લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.