કાબુલઃ અફઘાનિસ્તાનમાં સત્તા મેળવ્યા પછી હવે તાલિબાનમાં આંતરિક સંઘર્ષ ચરમસીમાએ પહોંચી ગયો છે. સત્તાની આ લડાઈમાં તાલિબાનોએ તેના જ સુપ્રીમ લીડર અખુંદજાદાની હત્યા કરી નાંખી છે અને નાયબ વડાપ્રધાન મુલ્લા અબ્દુલ ગની બરાદરને બંધક બનાવી લેવાયા હોવાનો બ્રિટનના એક મેગેઝીને દાવો કર્યો છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનોની ઈસ્લામિક અમિરાત સરકારમાં આંતરિક સંઘર્ષનું મૂળ કારણ પાકિસ્તાન છે. તાલિબાનોના સંસ્થાપક મુલ્લા ઉમરના પુત્ર અને વર્તમાન સંરક્ષણ મંત્રી મુલ્લા મોહમ્મદ યાકુબનું જૂથ અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની દખલ નથી ઈચ્છતું જ્યારે હક્કાની જૂથ પાકિસ્તાનના પ્રભુત્વ હેઠળ કામ કરવા માગે છે.


આ દરમિયાન તાલિબાને ચાલુ સપ્તાહે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં સંબોધન કરવા માટે એક પત્ર લખ્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે તાલિબાને કહ્યું છે કે, અમે અમારા દોહા સ્થિત પ્રવક્તા સુહૈલ શાહીનને અફઘાનિસ્તાન તરફથી સંયુક્ત રાષ્ટ્રમાં રાજદૂત તરીકે નામિત કર્યા છે. તાલિબાનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકીએ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસને પત્ર લખ્યો છે. જેમાં તેમણે મહાસભાની વાર્ષિક ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન બોલવા દેવાની વિનંતી કરી છે. ગુટેરેસના પ્રવક્તા ફરહાન હકે તાલિબાનના પત્રની પુષ્ટિ કરી છે.


તાલિબાને અફઘાનિસ્તાનમાં આઈપીએલ 2021ના પ્રસારણને ગણાવ્યું ઇસ્લામ વિરોધી


અફઘાનિસ્તાનના કબજા બાદથી તાલિબાન શાસનનો ફરમાનનો ક્રમ સતત ચાલુ છે. હવે તેણે અફઘાનિસ્તાનમાં આઈપીએલ 2021ના ​​પ્રસારણ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ એટલા માટે લગાવવામાં આવ્યો છે કારણ કે તાલિબાનોએ આશંકા વ્યક્ત કરી છે કે આઈપીએલ દરમિયાન ઈસ્લામિક વિરોધી સામગ્રી પ્રસારિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસકોએ મનોરંજનના મોટાભાગના માધ્યમો પર પ્રતિબંધ મૂક્યો છે. તેમાં ઘણી રમતોનો પણ સમાવેશ થાય છે. મહિલાઓ માટે રમત રમવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.


અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના પૂર્વ મીડિયા મેનેજર અને પત્રકાર એમ ઇબ્રાહિમ મોમંદે પોતાના એક ટ્વીટમાં આ માહિતી આપી છે. તેમણે લખ્યું, "અફઘાનિસ્તાનમાં આઈપીએલ 2021ના ​​પ્રસારણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આઈપીએલ મેચ દરમિયાન ઈસ્લામિક વિરોધી સામગ્રી પ્રસારિત થવાની શક્યતાને કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે." તેણે યુએઈમાં ચેન્નઈ અને મુંબઈ વચ્ચે રમાયેલી આઈપીએલના બીજા તબક્કાની પ્રથમ મેચ બાદ આ ટ્વિટ કર્યું હતું.