Terror Attack Pakistan: વર્ષોથી આતંકવાદને પોષી રહેલા પાકિસ્તાનને હવે હાથના કર્યા હૈયે વાગી રહ્યાં છે. પોતે જ જેને વિદેશ નીતિ તરીકે ઉપયોગ કરતા હતાં તે આતંકવાદીઓ સાથે હવે તેણે જ લડવું પડી રહ્યું છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) દ્વારા પાકિસ્તાનની સંસદ નજીક આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં હુમલાખોરોએ ઈસ્લામાબાદ પોલીસ હેડક્વાર્ટર પાસે વિસ્ફોટકો ભરેલી કારને બ્લાસ્ટ કરી હતી. જેના કારણે ત્યાં હાજર એક પોલીસકર્મીનું મોત થયું હતું અને દેશની સંસદ અને અન્ય ઉચ્ચ અધિકારીઓના કાર્યાલય તરફ જતા રસ્તા પર ઘણા પોલીસકર્મીઓ અને નાગરિકો તેની ચપેટમાં આવી ગયા હતા.
પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં વરિષ્ઠ પોલીસ અધિકારી સોહેલ ઝફરે મીડિયાને આ આત્મઘાતી હુમલાની જાણકારી આપી હતી. સોહેલે જણાવ્યું હતું કે, ઘટનાના સંદર્ભમાં અમને જાણવા મળ્યું છે કે જે કારમાં બ્લાસ્ટ થયો હતો તેમાં એક હાઈ એક્સપ્લોઝિવનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે કારમાં એક પુરુષ અને એક મહિલા હતા. આ વિસ્ફોટમાં તે બંનેના પણ મોત થયા છે.
પાકિસ્તાનમાં સંસદ નજીક જ આત્મઘાતી હુમલો
પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે કહ્યું હતું કે, પ્રારંભિક માહિતીમાં જાણવા મળ્યું છે કે કાર ચેકપોસ્ટ પર રોકાઈ ન હતી. પોલીસે કારનો પીછો કર્યો તે દરમિયાન કારમાં બેઠેલા લોકોએ તેને ઉડાવી દીધી હતી. તે આત્મઘાતી વિસ્ફોટ હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તે વિસ્ફોટમાં એક પોલીસકર્મીએ જીવ ગુમાવ્યો હતો અને કેટલાક અન્ય પોલીસકર્મીઓ સહિત કેટલાક નાગરિકો ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે."
ઈસ્લામાબાદ આખુ હાઈ એલર્ટ
મંત્રી સનાઉલ્લાહના જણાવ્યા અનુસાર, જો હુમલાખોરોની કાર તેના ટાર્ગેટ સુધી પહોંચી ગઈ હોત તો મોટું નુકસાન થઈ શકે તેમ હતું. તેમણે કહ્યું હતું કે, વિસ્ફોટ કરાયેલી કારનો નંબર ચકવાલ શહેરમાં નોંધાયેલો હતો. તે રાવલપિંડીથી ઈસ્લામાબાદમાં પ્રવેશી હતી. તે વિસ્ફોટકોથી ભરેલી હતી અને પુર ઝડપે તેના લક્ષ્ય તરફ આગળ વધી રહી હતી. સનાઉલ્લાહે કહ્યું હતું કે, પાકિસ્તાની સેનાના ઓપરેશન બાદ રાજધાની આવા હુમલાની ધમકીઓને કારણે હાઈ એલર્ટ પર છે.
ટીટીપી તેના લડવૈયાઓની હત્યાથી નારાજ હતી
આ ઘટનાની ગણતરીની મિનિટો બાદ જ કુખ્યાત આતંકવાદી સંગઠન 'તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન' (TTP)એ એક નિવેદન જારી કરીને હુમલાની જવાબદારી સ્વીકારી હતી. પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ નજીક બન્નુ શહેરમાં સેનાની કાર્યવાહી દરમિયાન તેના 30 થી વધુ લડવૈયાઓની હત્યાથી સંગઠન ગુસ્સે ભરાયું હતું, તેથી તે એન્કાઉન્ટરના બે દિવસ બાદ જ 'તેહરીક-એ-તાલિબાન પાકિસ્તાન' આજે પાકિસ્તાનની સંસદ પરઆત્મઘાતી હુમલો કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે 'તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન'ના લડવૈયાઓએ એક ડિટેંશન ફેસિલિટીમાં લગભગ 10 સુરક્ષા અધિકારીઓને પણ બંધક બનાવ્યા હતા.
ઘટના બાદ ઈસ્લામાબાદની એક સરકારી હોસ્પિટલના મુખ્ય ડૉક્ટર ઈકબાલ દુર્રાનીએ જણાવ્યું હતું કે, પાંચ ઘાયલ પોલીસકર્મીઓને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. એક ટીવી ફૂટેજમાં કારના સળગતા કાટમાળની સાથે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ ઘટના સ્થળે તપાસ કરતા નજરે પડ્યાં હતા.