Russia Ukraine War : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના 9 દિવસ પુરા થયા છે અને હજી પણ યુદ્ધ ચાલુ જ છે. રશિયાએ યુક્રેનના અનેક શહેરો પર મિસાઈલથી હુમલાઓ કર્યા છે અને આ સાથે યુરોપના સૌથી મોટા પરમાણુ પ્લાન્ટ પર કબ્જો કરી લીધો છે. રશિયાના હુમલા વચ્ચે યુક્રેનના શહેરીઓ ખાલી થઇ ગયા છે. યુક્રેનના નાગરિકો પાડોશી દેશોમાં રેફ્યુજી કેમ્પમાં શરણ લઇ રહ્યા છે. આ દરમિયાન રોમાનિયામાં રેફ્યુજી કેમ્પનો એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં યુક્રેનની બાળકીનો જન્મદિવસ ઉજવવામાં આવતો જોવા મળે છે.
રોમાનિયામાં રેફ્યુજી કેમ્પમાં યુક્રેનની બાળકીના જન્મદિવસની ઉજવણી
કિવ વોચ દ્વારા જાહેર કરવામાં આવેલા આ વિડીયોમાં રોમાનિયામાં રેફ્યુજી કેમ્પમાં વોલેન્ટિયર્સ દ્વારા યુક્રેનની લગભગ 6 થી 8 વર્ષની વયની બાળકીનો જન્મદિવસ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો. આ બાળકીને કેપ પહેરાવવામાં આવી અને બાળકી દ્વારા કેક પણ કાપવામાં આવી. વોલેન્ટિયર્સ દ્વારા તાળીઓ દ્વારા અને જન્મદિવસનું ગીત ગાઈને બાળકીનો ઉત્સાહ વધારવામાં આવ્યો. આ સાથે બાળકીને એક ગિફ્ટ પણ આપવામાં આવ્યું.
રશિયાએ યુક્રેન પર અઠવાડિયામાં છોડી 500થી વધુ મિસાઈલ
રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 10મો દિવસ છે. રશિયા યુક્રેન પર કબ્જો જમાવવા આક્રમક બની ગયું છ. આ દરમિયાન આજે અમેરિકાના પેન્ટાગોનના અધિકારીએ, યુક્રેનના ધ કિવ ઈન્ડીપેન્ડેન્ટને જણાવ્યું કે, રશિયાએ યુક્રેન પર સંપૂર્ણ પાયે આક્રમણ શરૂ કર્યું ત્યારથી અઠવાડિયામાં 500 થી વધુ મિસાઇલો છોડી છે. રશિયા દરરોજ લગભગ બે ડઝન વિવિધ પ્રકારની મિસાઇલો છોડી રહ્યું રહ્યું છે.