શ્રીલંકાનું નામ સાંભળતા જ આપણને સોનાની લંકા યાદ આવી જાય. આપણે નાનપણથી જ સોનાની લંકાની વાતો સાંભળતા આવીએ છીએ. જો કે પરિસ્થિતિ બદલાતા વાર નથી લાગતી. એક સમયે તમામ સુખ સુવિધાઓથી ભરપુર રહેતી લંકા આજે આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે. જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. પેટ્રોલ ડીઝલના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. પરિસ્થિતિ એવી છે કે આર્થિક કટોકટી લગાવવાની સાથે સાથે ખાવાપીવાની વસ્તુઓની વહેંચણી માટે સરકાર આર્મી લગાવવાની તૈયારી કરી રહી છે. નોંધનિય છે કે શ્રીલંકાનો વિદેશી મુદ્રા બંડાર સમાપ્ત થવાની અણી પર છે અને ત્યાના ચલણની વેલ્યૂ ઝડપથી નીચે આવી રહી છે. તો આવો જાણીએ શ્રીલંકાની આ હાલત થવા પાછળના પાંચ કારણો.


ઓર્ગેનિક ખેતી પર જોર, ખાતરના વપરાશ પર પ્રતિબંધ


શ્રીલંકાની સરકારનો તાજેતરનો નિર્ણય આ પરિસ્થિતિ પાછળ કારણભૂત માનવામાં આવે છે. હકિકતમાં સરકારે કેમિકલ ખાતરનો ઉપયોગ એક ઝાટકે બંધ કરીને 100 ટકા ઓર્ગેનિક ખેતી કરવાનો આદેશ જારી કરી દીધો. અચાનક થયેલા આ ફેરફારથી શ્રીલંકાનો ખેતી વ્યવસાય બરબાદ થઈ ગયો. અનાજની જમા ખોરી થવા લાગી અને ખાંડ અને ચોખા જેવી વસ્તુના ભાવ આસનમાને પહોંચી ગયા.


પ્રવાસન સેક્ટરના પણ ખરાબ હાલ


તમને જણાવી દઈએ કે શ્રીલંકામાં ખેતી બાદ આવકનું બીજુ મોટુ માધ્યમ પ્રવાસન સેક્ટર છે. સરકારી આંકડા અનુસાર ટૂરિઝમ શ્રીલંકાની જીડીપીમાં 10 ટકા યોગદાન આપે છે. છેલ્લા બે વર્ષથી કોરોનાના પ્રકોપને કારણે આ સેક્ટરને ભારે નુકસાન થયું છે. શ્રીલંકામાં મોટા ભાગે ભારત,યૂકે અને રશિયાના પ્રવાસીઓ આવે છે.પરંતુ કોરોનાને કારણે લાગુ કરવામાં આવેલા પ્રતિબંધોથી પ્રવાસીઓની આવક બંધ થઈ ગઈ. હવે ત્યાની પરિસ્થિતિ ખરાબ હોવાથી ઘણા દેશના લોકો શ્રીલંકા જવાથી બચી રહ્યા છે.


ચીનની નીતિ પર જવાબદાર


વિશ્વભરમા નિષ્ણાતો જ્યારે ચીનની ઋણપાસ નીતિ(Debt Trap Policy)નો ઉલ્લેખ કરે છે, તો ત્યારે શ્રીલંકાનું ઉદાહરણ આપે છે. એકલા ચીનનું જ શ્રીલંકા પર 5 બિલિયન ડોલરનું લેણુ છે. આ ઉપરાંત શ્રીલંકાએ ભારત અને જાપાન સહિત આઈવીએફ જેવી સંસ્થાઓ પાસેથી પણ લોન લીધેલી છે. સરકારી આંકડા પ્રમાણે એપ્રીલ 2021 સુધીમાં શ્રીલંકા પર આશરે 35 બિલિયન ડોલર સુધીનું વિદેશી લેણુ છે. જેના કારણે આ દેશની સ્થિતિ વધુ કથળી રહી છે.


શ્રીલંકાના ચલણની વેલ્યૂ ઘટી રહી છે


શ્રીલંકાનો વિદેશી મુદ્રા ભંડાર પણ સતત ઘટી રહ્યો છે.ત્રણ વર્ષ પહેલા શ્રીલંકા પાસે 7.5 બિલિયન ડોલરનો વિદેશી મુદ્રા ભંડાર હતો. જો કે હવે તેમાં ઝડપથી ઘટાડો થવા લાગ્યો છે અને જુલાઈ 2021મા આ માત્ર 2.7 બિલિયન ડોલરે પહોંચી ગયો છે. જ્યારે ગયા વર્ષ નવેમ્બરમાં ઘટીને તે માત્ર 1.58 બિલિયન ડોલર પર પહોંચી ગયો છે. સૌથી મહત્વની વાત એ કે શ્રીલંકા પાસે લોનના હપ્તા ચૂકવવા માટે પણ ફોરેક્સ રિઝર્વ નથી. આઈએમએફએ કહ્યું કે શ્રીલંકાની અર્થ વ્યવસ્થા દેવાળીયું થવાની અણી પર છે.


ખાંડ, દાળ જેવી વસ્તુ માટે આયાત પર નિર્ભર


શ્રીલંકાની હાલની સ્થિતિ પાછળ આયાત પર વધુ નિર્ભર રહેવાની સ્થિતિ પણ જવાબદાર છે. શ્રીલંકા દાળ, અનાજ, દવા જેવી જીવનજરૂરિયાતની વસ્તુઓ માટે પણ આયાત પર નિર્ભર છે. ખાતર પર પ્રતિબંધ લગાવવામાં આવતા સ્થિતિ વધુ ગંભીર બની. હાલમાં ચાલી રહેલા યુદ્ધના કારણે પણ શ્રીલંકાની સ્થિતિ ગંભીર બનાવી છે કેમ કે, શ્રીલંકા દાળ,ખાંડ અને અન્ય અનાજ માટે રશિયા અને યુક્રેન પર નિર્ભર છે. બીજી તરફ આયાત  બિલ ચૂકવવા માટે શ્રીલંકા પાસે પુરતા નાણા પણ નથી.