મહસા અમીનીના મોત બાદ હિજાબ વિવાદને લઈને વિશ્વભરમાં ટીકાનો સામનો કરી રહેલા ઈરાને ઈરાકના કુર્દીસ્તાન પર મિસાઈલ હુમલો કર્યો છે. આ હુમલામાં એક ગર્ભવતી મહિલા સહિત 13 લોકોના મોત થયા છે અને લગભગ 58 લોકો ઘાયલ થયા છે. આ હુમલો ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ દ્વારા કરવામાં આવ્યો છે.






ઈરાને કુર્દીસ્તાન પર હુમલો કરવા માટે મિસાઈલની સાથે સાથે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. આ હુમલો કુર્દિસ્તાનમાં ઈરાન વિરોધી જૂથોને નિશાન બનાવીને કરવામાં આવ્યો છે. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડનું કહેવું છે કે તેઓએ હુમલામાં તાજેતરના રમખાણોને સમર્થન આપનારા લોકોને મારી નાખ્યા છે.






ઉલ્લેખનીય છે કે લગભગ 12 દિવસ પહેલા ઈરાની પોલીસે મહસા અમીની નામની મહિલાને હિજાબ ન પહેરવા બદલ અટકાયતમાં લીધી હતી. પોલીસ કસ્ટડીમાં અમીનીનું મોત થયુ હતું. ત્યારબાદ સમગ્ર ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શન શરૂ થયા હતા.


મહસા અમીનીની હત્યાના વિરોધમાં સુરક્ષાદળોની કાર્યવાહીમાં અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થયા છે. ઈરાનમાં વધી રહેલા વિરોધને જોતા સરકારે ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બીજી તરફ યુએનમાં ઘણા દેશોએ પ્રદર્શનકારીઓ પર બળપ્રયોગની નિંદા કરી છે. મહસા અમીનીની હત્યાના વિરોધમાં ન્યુયોર્ક શહેરમાં પણ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. સેંકડો ઈરાનીઓએ સંયુક્ત રાષ્ટ્ર ભવન સામે પ્રદર્શન કર્યું હતું.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાનમાં મહિલાઓ પોતાના હિજાબને સળગાવી રહી છે. કેટલીક મહિલાઓ તેમના લાંબા વાળ કાપીને ગુસ્સો વ્યક્ત કરી રહી છે.


સરમુખત્યાર કિમ જોંગ ઉનની સીક્રેટ દીકરીનો પહેલો ફોટો થયો વાયરલ? જાણો શું કહ્યું નિષ્ણાતોએ