Tiwan Army : હજી યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ સમ્યું નથી ત્યાં ડ્રેગન તાઈવાનને ગમે ત્યારે ગળી જવા કવાયત હાથ ધરે તેવી ભિતિ સતત સેવાઈ રહી છે. ચીન છાસવારે તાઈવાનની હવાઈ સુરક્ષાનું ઉલ્લંઘન કરીને સંખ્યાબંધ યુદ્ધ વિમાનો મોકલતુ રહે છે. તો સામે ચીન સામે સાવ તણખલા સમાન તાઈવાન ડ્રેગનને કોઈ મચક આપવા તૈયાર નથી. તાઈવાન પણ ગમે તે સ્થિતિને પહોંચી વળવા સજ્જ બન્યું છે.
જેના ભાગરૂપે ચીન તરફથી સૈન્ય કાર્યવાહી વધારવાની ધમકીઓ વચ્ચે તાઈવાને તેની પાંચ દિવસીય સૈન્ય કવાયત શરૂ કરી છે. સોમવારે ઉત્તર તાઈપેઈની શેરીઓમાંથી કાર દૂર કરવામાં આવી હતી અને લોકોને હવાઈ હુમલાની કવાયત માટે ઘરની અંદર રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
વાર્ષિક સૈન્ય કવાયત માટે સ્થાનિક સમય મુજબ બપોરે 1:30 વાગ્યે સાયરન વાગ્યું હતું. ત્યાર બાદ લોકોને શેરીઓમાંથી બહાર નીકળવાની ફરજ પડી હતી. આ કવાયત માટે રાજધાની તાઈપેઈ સહિત તમામ નગરો અને શહેરોને 30 મિનિટ માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા હતા. ન્યૂઝ એજન્સી રોઈટર્સના અહેવાલ મુજબ, આ બાદ હવાઈ હુમલાની ચેતવણી આપવામાં આવી હતી જેમાં લોકોને તાત્કાલિક સલામત સ્થળે જવા માટે કહેવામાં આવ્યું હતું. આ સંદેશ લોકોને ટેક્સ્ટ સંદેશ તરીકે મોકલવામાં આવ્યો હતો.
તાઈવાનના રાષ્ટ્રપતિએ શું કહ્યું?
તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ-વેને 'વાન એન' (કાયમી શાંતિ) નામની મોક એર કવાયતના લગભગ એક કલાક પહેલા ફેસબુક પર દેશની જનતાને સંબોધિત કરેલી પોસ્ટમાં કહ્યું હતું કે, "જ્યારે તમે ટેક્સ્ટ મેસેજ મળે કે તરત કૃપા કરીને 'ટેસ્ટ' અને 'ડ્રિલ' જેવા શબ્દો જાણો અને શાંત રહો."
ચીન લોકતાંત્રિક રીતે શાસિત તાઈવાનને પોતાનો ભાગ માને છે અને છેલ્લા ત્રણ વર્ષથી તે તાઈવાનની આસપાસ નિયમિત સૈન્ય કવાયત કરી રહ્યું છે. જેથી તાઈવાનના લોકોના મતભેદ હોવા છતાં તાઈવાનના લોકો પર તેના સાર્વભૌમત્વના દાવાને સ્વીકારવા દબાણ કરવામાં આવે. જ્યારે આ મોક ડ્રીલથી લગભગ અજાણ એવા તાઈપેઈ આવેલા પ્રવાસીઓ એકદમ આશ્ચર્યચકિત દેખાતા હતા. તેઓ સમજી જ નહોતા શકયા કે શું થઈ રહ્યું છે. દક્ષિણ કોરિયાના પ્રવાસી લી જેંગ હોએ કહ્યું હતું કે, સાયરન સાંભળતા જ હું ડરી ગયો હતો કે અચાનક શું થયું. અમે અહીં વિદેશી છીએ.
ચીનના તણાવ વચ્ચે સૈન્ય કવાયત
તાઈપેઈમાં સત્તાવાળાઓએ નાગરિકોને બેઝમેન્ટ પાર્કિંગ લોટમાં જવા અને મિસાઈલ બ્લાસ્ટના આંચકાની અસરોથી બચવા માટે તેમની આંખો અને કાનને હાથથી ઢાંકવા અને મોં ખુલ્લા રાખવા સૂચના આપી હતી. આવતા મહિને તાઈવાનના વર્તમાન ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ પદના પ્રબળ દાવેદાર વિલિયમ લાઈ અમેરિકાની મુલાકાતે જઈ રહ્યા છે. ચીને તાઈવાનને આ અંગે ચેતવણી આપી છે. જોકે તાઇવાનમાં ટોચના અમેરિકન રાજદ્વારીએ ચીનને આગ્રહ કર્યો છે કે, તે આ મુલાકાતના જવાબમાં કોઈ મોટી કાર્યવાહી ન કરે.