વોંશિંગ્ટનઃ કોરોનાવાયરસ સામે ઝૂમી રહેલા અમેરિકાએ કામચલાઉ રીતે બહારથી આવતા લોકોને વસવાટની મંજૂરી એટલે ઇમિગ્રેશનને રોકવાની જાહેરાત કરી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવાર સવારે આ મોટી જાહેરાત કરતાં કહ્યું કે, એક અદૃશ્ય દુશ્મનના હુમલાને કારણે સર્જાયેલી સ્થિતી ઉપરાંત મહાન અમેરિકાના નાગરિકોની નોકરીનું રક્ષણ કરવા માટે હું યુનાઈટેડ નેશન્સમાં ઈમિગ્રેશનને કામચલાઉ રીતે સસ્પેન્ડ કરવાના એક વહીવટી હુકમ પર સહી કરી રહ્યો છું.


ટ્રમ્પના આ નિર્ણયનો અર્થ એ થાય કે, અમેરિકામાં નોકરી કે વ્યવસા અર્થે જવા માંગતા અન્ય દેશોના લોકોને હવે પછી નવો આદેશ ના થાય ત્યાં સુધી પરમેનન્ટ  રેસિડેન્સી નહીં મળે. ટ્રમ્પના આ નિર્ણયના કારણે અમેરિકા જઇને સ્થાયી થવા માંગતા લાખો ભારતીયોનાં સપના રોળાઈ ગયાં છે.  ડોનાલ્ડ ટ્રમ્પે આ નિર્ણયની જાહેરાત પોતાના ટ્વિટર એકાઉન્ટ પર કરી હતી.  કોરોના વાયરસના લીધે અર્થતંત્રની કટોકટીના કારણે ડોનાલ્ડ ટ્રમ્પે આ નિર્ણય લીધો છે.


અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે આ આદેશને રદ ના કરે ત્યાં સુધી બહારના દેશનો કોઈ નાગરિક અમેરિકાનો નિવાસી બની શકશે નહીં.   દુનિયાભરમાંથી દર વર્ષે હજારો લોકો અમેરિકામાં નોકરી અને બિઝનેસ માટે જાય છેત્યારે તેમના નિવાસની પ્રક્રિયા હમણાં બંધ થઈ જશે.

કોરોના વાયરસના કારણે અમેરિકા અત્યાર સુધી સૌથી મોટા સંકટનો સામનો કરી રહ્યું છે. છેલ્લાં લગભગ બે મહિનામાં અમેરિકામાં કરોડથી વધુ લોકો પોતાની નોકરી ગુમાવી ચૂકયા છે અને બેરોજગારને મળતી સુવિધાઓ માટે અરજી કરી ચૂકયા છે.