trump venezuela announcement: વૈશ્વિક રાજકારણમાં એક મોટી ઉથલપાથલ મચી ગઈ છે. અમેરિકાએ વેનેઝુએલામાં ઐતિહાસિક લશ્કરી ઓપરેશન (Military Operation) પાર પાડીને સત્તા પલટો કરી દીધો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો છે કે સરમુખત્યાર નિકોલસ માદુરોની ધરપકડ કરી લેવામાં આવી છે અને હવે વેનેઝુએલા સંપૂર્ણપણે અમેરિકાના નિયંત્રણ (Control) હેઠળ છે. ટ્રમ્પે ત્યાંના તેલ ઉદ્યોગને પાટા પર લાવવા માટે અમેરિકન કંપનીઓને મોકલવાની પણ જાહેરાત કરી છે.
"માદુરો એક સરમુખત્યાર, અમારો હેતુ શાંતિ સ્થાપવાનો"
વેનેઝુએલામાં થયેલા હુમલા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્થિતિ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, આ ઓપરેશન તેમના સીધા આદેશથી કરવામાં આવ્યું હતું. તેમણે નિકોલસ માદુરોને સરમુખત્યાર (Dictator) ગણાવતા કહ્યું હતું કે માદુરોએ પોતાના દેશમાં લોહીલુહાણ ગેંગ મોકલી હતી અને હવે તેને અમેરિકન ન્યાયનો સામનો કરવો પડશે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, "વેનેઝુએલા હવે આપણા શાસન હેઠળ છે. જ્યાં સુધી ત્યાં સંપૂર્ણ પરિવર્તન અને શાંતિ નહીં સ્થપાય ત્યાં સુધી આ વ્યવસ્થા ચાલુ રહેશે."
બીજા વિશ્વયુદ્ધ પછીનું સૌથી મોટું શક્તિ પ્રદર્શન
ટ્રમ્પે આ લશ્કરી કાર્યવાહીને ઐતિહાસિક ગણાવી હતી. તેમના મતે, બીજા વિશ્વયુદ્ધ (2nd World War) પછી આવું ભીષણ અને સટીક ઓપરેશન ક્યારેય જોવા મળ્યું નથી. અમેરિકન સશસ્ત્ર દળોએ જમીન, હવા અને સમુદ્ર – એમ ત્રણેય મોરચેથી વેનેઝુએલાને ઘેરી લીધું હતું. મધ્યરાત્રિએ હાથ ધરાયેલા આ મિશનમાં અમેરિકન સેનાએ કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે મળીને માદુરો અને તેમની પત્નીને ઝડપી લીધા હતા. હાલ બંનેને ન્યૂયોર્ક લાવવામાં આવી રહ્યા છે.
તેલના ભંડાર અને અમેરિકન કંપનીઓ
વેનેઝુએલાના અર્થતંત્રની કરોડરજ્જુ ગણાતા તેલ ઉદ્યોગ (Oil Industry) અંગે ટ્રમ્પે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે માદુરોના શાસનમાં તેલનો વ્યવસાય પડી ભાંગ્યો હતો. હવે અમેરિકાની મોટી કંપનીઓ વેનેઝુએલા જશે અને અબજો ડોલરનું રોકાણ કરશે. આ કંપનીઓ ત્યાંના ખરાબ થઈ ગયેલા ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું સમારકામ કરશે અને ઉત્પાદન ફરી શરૂ કરશે. આ નિવેદનથી સ્પષ્ટ છે કે હવે વેનેઝુએલાના તેલ ભંડારો પર અમેરિકાનું પ્રભુત્વ રહેશે.
ડ્રગ્સ માફિયાઓ પર તવાઈ અને ચેતવણી
ટ્રમ્પે પોતાની સફળતા ગણાવતા કહ્યું કે સમુદ્ર માર્ગે આવતા 97% ડ્રગ્સ (97% Drugs) નો નાશ કરવામાં આવ્યો છે, જેમાંથી મોટાભાગનો જથ્થો વેનેઝુએલાથી આવતો હતો. તેમણે વિશ્વને ચેતવણી આપતા કહ્યું કે, "વેનેઝુએલાની તમામ લશ્કરી ક્ષમતાઓ હવે નકામી થઈ ગઈ છે. અમેરિકાએ જે કરી બતાવ્યું છે, તે વિશ્વનો અન્ય કોઈ દેશ કરી શકે તેમ નથી. હવે કોઈ પણ અમેરિકાને પડકારવાની હિંમત નહીં કરે."