વોશિંગ્ટનઃ અમેરિકામાં કામ કરવાની ઈચ્છા રાખતાં ભારતીયો સહિત વિદેશીઓને ટ્રમ્પ સરકારે મોટો ઝટકો આપ્યો છે. ટ્રમ્પે H-1Bની સાથે સાથે અન્ય પ્રકારના વિઝા પણ હાલ વર્ષના અંત સુધી સસ્પેન્ડ કરી દીધા છે. એટલે કે જે લોકોના H-1B વિઝઆ એપ્રિલ લોટરીમાં મંજૂર થઈ ગયા હતા તેમને પણ હવે આવવાની મંજૂરી નહીં મળે.

ટ્રમ્પ સરકારના આ ફેંસલાનો અમેરિકામાં ખૂબ વિરોધ થઈ રહ્યો છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ પણ ટ્રમ્પ તંત્રના આ ફેંસલાને ખોટો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, ઈમિગ્રેશનના કારણે જ અમેરિકાને આટલો ફાયદો થયો છે. જેના કારણે તે ગ્લોબલ ટેક લીડર બન્યું. પિચાઈએ લખ્યું કે, આજના ઓર્ડરથી તે નિરાશ છે.


પિચાઈ સિવાય અમેરિકાના કેટલાક રાજનેતાએ પણ ટ્રમ્પના ફેંસલાને ખોટો ગણાવ્યો છે. ડિક ડર્બિને લખ્યું કે, આ રીત ખોટી છે. H-1Bમાં બદલાવ કરવાની જરૂર છે, ખતમ કરવાની જરૂર નથી. ટ્વિટર પર તેમણે લખ્યું, ટ્રમ્પ સરકારે સમજવું જોઈએ કે આ વિઝા અમેરિકાની નબળાઈ નહીં તાકાત છે. તેનાથી અહીંયા કુશળ કામદારો મળી રહે છે. જ્યારે અન્ય એક વ્યક્તિએ લખ્યું, ટ્રમ્પ ઈચ્છે તો પણ ભારતીયોના સ્થાને બેકાર અમેરિકનોને ત્યાં ન રાખી શકે. કારણકે આ લોકો ત્યાં કામ ન કરી શકે.


ટ્રમ્પ તંત્ર દ્વારા H1B, H4 (H1Bના પતિ-પત્ની) વર્ષના અંત સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત L1 વિઝા (ઈન્ટ્રા કંપની ટ્રાન્સફર માટે) અને J1 વિઝા (ડોક્ટરો અને રિસર્ચર્સ)ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ નિર્ણય અમેરિકન શ્રમિકોના હિત માટે લેવામાં આવ્યો છે.