વોશિંગ્ટનઃ ટ્રમ્પ તંત્રએ ભારતીયો સહિત અમેરિકામાં કામ કરતા વિદેશીઓને મોટો ઝટકો આપ્યો છે. ટ્રમ્પ તંત્ર દ્વારા H1B, H4 (H1Bના પતિ-પત્ની) વર્ષના અંત સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત L1 વિઝા (ઈન્ટ્રા કંપની ટ્રાન્સફર માટે) અને J1 વિઝા (ડોક્ટરો અને રિસર્ચર્સ)ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ નિર્ણય અમેરિકન શ્રમિકોના હિત માટે લેવામાં આવ્યો છે.

ટ્રમ્પ તંત્રના એક વરિષ્ઠ અધિકારીએ આ અંગે જાણકારી આપતા જણાવ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા જાહેર કરવામાં આવેલો કાર્યકારી આદેશ અસ્થાયી છે. જેના દ્વારા અમેરિકન શ્રમિકો માટે 5,25,000 નોકરીઓની તક સર્જાશે. કોરોના મહામારી અને લોકડાઉનના કારણે અમેરિકામાં આવેલી મંદીના કારણે અમેરિકન કામદારોને લાભ કરાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.


અધિકારીએ કહ્યું કે, આ વેતન સ્તર અને સ્કીલ સ્તર બંનેને આગળ વધારશે. એન્ટ્રી લેવલની નોકરીઓ માટે અમેરિકનો સાથે પ્રતિસ્પર્ધાને પણ ખતમ કરી દેશે. રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે, નોકરીઓના આઉટ સોર્સિંગને સક્ષમ કરનારી તમામ ખામીને બંધ કરી દેવી જોઈએ.

અમેરિકામાં ઘણા લોકોના વિરોધ સાથે છેલ્લા થોડા સમયથી H-1B વિઝા રાજકીય મુદ્દો પણ બન્યો છે. ચૂંટણી વખતે રાજકીય પક્ષો એચ-1બી વિઝાને લઈ જુદા જુદા વાયદા કરતા હોય છે. 2016માં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે ટ્રમ્પે એચ-1બી વિઝામાં આકરા નિયમોને ચૂંટણી મુદ્દો બનાવ્યો હતો અને તેના પર પ્રતિબંધ મૂકવાની પણ વાત કરી હતી.