વોશિંગ્ટનઃ અમેરિકા-મેક્સિકો સરહદ પર દિવાલ બનાવવાની ફંડિંગ પર શુક્રવારે ડેમોક્રેટ્સ અને ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર વચ્ચે સહમતિ થઇ શકી નહોતી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી હતી કે જો બોર્ડર વોલ માટે ફંડ જાહેર કરવામાં નહી આવે તો તેમની સરકાર શુક્રવાર-શનિવાર અડધી રાતથી શટડાઉન કરશે. ડેમોક્રેટ્સ અને સરકાર વચ્ચે સંસદમાં સહમતિ ના થતા અમેરિકામાં શટડાઉન નક્કી માનવામાં આવી રહ્યું છે. આ શટડાઉનથી અનેક મહત્વપૂર્ણ એજન્સીઓ પ્રભાવિત થઇ શકે છે. ટ્રમ્પ વહીવટીતંત્ર અમેરિકા અને મૈક્સિકો સરહદ પર દિવાલ બનાવવા માટે 5 બિલિયન ડોલરની માંગ કરી રહ્યું છે.
ટ્રમ્પે શુક્રવારે ટ્વિટ કર્યું હતું કે, જો ડેમોક્રેટ્સ બોર્ડર સિક્યોરિટી માટે મત નહી આપે તો આજે સરકાર કામ નહી કરે. રિપબ્લિકન્સે ગુરુવારે પાંચ બિલિયન અમેરિકન ડોલરના ફંડિગ બિલ પાસ કરી દીધું હતું. શુક્રવારે સેનેટમાં આ સંબંધમાં વોટિંગ શરૂ થયુ હતું. જોકે, ડેમોક્રેટ્સ આ બિલના વિરોધમાં છે. આ બોર્ડર પર દિવાલ ઉભી કરવાના બદલે ફેન્સિંગના પક્ષમાં છે. આ બિલ શુક્રવારે સિનેટમાં પાસ થઇ શક્યું નહીં ત્યારબાદ ટ્રમ્પે એક ટ્વિટમાં કહ્યું કે, શટડાઉનની જવાબદારી ડેમોક્રેટ્સની રહેશે.
વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ અનુસાર, શટડાઉનની આશંકાને પગલે અમેરિકા-મેક્સિકો બોર્ડર વોલને લઇને ડેમોક્રેટ્સ ટ્રમ્પ સરકાર સાથે વાતચીત માટે તૈયાર થઇ ગયા છે. જોકે, અમેરિકાના સમયાનુસાર સાંજે લગભગ સાત વાગ્યે સંસદની સભા સ્થગિત કરી દીધી અને આ મુદ્દા પર કોઇ ઉકેલ નિકળી શક્યો નથી. ટ્રમ્પે કહ્યુ કે, તેઓ આ મુદ્દા પર કોઇ પણ કિંમતમાં સમાધાન કરશે નહીં. નોંધનીય છે કે આ દિવાલ 2016ના ટ્રમ્પના ચૂંટણી વચનોમાંની એક છે. ટ્રમ્પે કહ્યું કે, ડેમોક્રેટ્સ કહી રહ્યા છે કે કોન્ક્રીટ વોલ બનાવી જોઇએ નહીં. પરંતુ અમે એક કૉન્ક્રીટ વોલ બનાવી રહ્યા છીએ. અમે ખાસ પ્રકારની ડિઝાઇન કરેલી સ્ટીલ સ્લેટ તૈયાર કરી રહ્યા છીએ જેથી તમે તેની આરપાર જોઇ શકશો. આ વોલ સુંદરતાની સાથે સાથે અમેરિકાને સુરક્ષા પણ આપશે છે.